News of Wednesday, 1st April 2026
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી લક્ઝરી કારના શોખીનોને બખ્ખાં : રેન્જ રોવર સ્પોર્ટ SVની કિંમતમાં 70 લાખનો તોતિંગ ઘટાડો : ન્યૂઝફર્સ્ટ
બ્રિટિશ આયાતી કારો પરની ડ્યૂટી 100 ટકાથી ઘટીને સીધી 10 ટકા થવાની શક્યતા : ક્વોટા અને કરન્સીના આધારે રેન્જ રોવરની વિવિધ શ્રેણીઓના ભાવમાં 10 થી 25 ટકાનો જંગી કાપ આવશે

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ):
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે ટૂંક સમયમાં અમલી બનનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને કારણે લક્ઝરી કાર માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ કરાર અંતર્ગત બ્રિટનમાં નિર્મિત વાહનો પર લાદવામાં આવતી આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યૂટી) માં ધરખમ ઘટાડો થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર પ્રીમિયમ લક્ઝરી એસયુવી (SUV) ના ભાવ પર પડશે.
આયાત જકાતમાં મોટો ફેરફાર:
વર્તમાન નિયમો મુજબ, યુકેથી સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવતા વાહનો (CBU) પર 100 ટકાથી વધુ ડ્યૂટી લાગતી હોય છે. પરંતુ આ નવા કરાર હેઠળ, નિયત ક્વોટામાં આવતા વાહનો પરની જકાત ઘટાડીને માત્ર 10 ટકા જેટલી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, વાહનોની અંતિમ કિંમતનો આધાર ક્વોટાની મર્યાદા, વિદેશી હૂંડિયામણના દરમાં ફેરફાર અને ઓટોમોબાઈલ બ્રાન્ડ્સની પોતાની માર્કેટ સ્ટ્રેટેજી પર નિર્ભર રહેશે.
કઈ કાર કેટલી સસ્તી થશે?
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે રેન્જ રોવરના વિવિધ મોડલ્સની કિંમતોમાં અંદાજે 10% થી લઈને 25% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. અપેક્ષિત ઘટાડાની વિગતો નીચે મુજબ છે:
• Range Rover Sport SV: આ મોડલની કિંમતમાં અંદાજે 70 લાખ રૂપિયા (લગભગ 25%) સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે.
• Range Rover: આ લક્ઝરી કારની કિંમત 50 થી 60 લાખ રૂપિયા (અંદાજે 20-25%) જેટલી ઘટી શકે છે.
• Range Rover Velar: વેલાર મોડલના ભાવમાં 25 થી 30 લાખ રૂપિયા (અંદાજે 15-20%) નો ઘટાડો થવાની સંભાવના છે.
• Range Rover Evoque: ઇવોક મોડલ અંદાજે 15 થી 20 લાખ રૂપિયા (10-15%) જેટલું સસ્તું થઈ શકે છે.
આ કરાર માત્ર કાર પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે પણ માઇલસ્ટોન સાબિત થશે. ખાસ કરીને બ્રિટિશ લક્ઝરી બ્રાન્ડ્સ માટે ભારતનું બજાર હવે વધુ સુલભ અને આકર્ષક બનશે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
