News of Wednesday, 1st April 2026
ન્યૂ યોર્કમાં 'એસ્ટેટ ટેક્સ' મુદ્દે ભારતીય મૂળના બે નેતાઓ સામસામે: સરિતા કોમાટીરેડ્ડીએ મેયર મામદાનીના પ્રસ્તાવને ગણાવ્યો 'ઇમિગ્રન્ટ વિરોધી'
માતા-પિતાના અમેરિકન સ્વપ્નને સજા આપવાનું બંધ કરો: ટેક્સ મુક્તિ મર્યાદા $70 લાખથી ઘટાડી $7.5 લાખ કરવાના અને ટેક્સ 50% સુધી વધારવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ

ન્યૂ યોર્ક: તા.૧ ન્યૂ યોર્કના એટર્ની જનરલ પદના રિપબ્લિકન ઉમેદવાર સરિતા કોમાટીરેડ્ડીએ ન્યૂ યોર્ક સિટીના મેયર ઝોહરાન મામદાની પર આકરા પ્રહારો કર્યા છે. વિવાદનું મુખ્ય કારણ મેયર મામદાની દ્વારા રજૂ કરવામાં આવેલો નવો 'એસ્ટેટ ટેક્સ' (વારસા વેરો) પ્રસ્તાવ છે, જેને કોમાટીરેડ્ડીએ ઇમિગ્રન્ટ પરિવારો અને મહેનતુ ન્યૂ યોર્કવાસીઓ માટે 'બરબાદી' સમાન ગણાવ્યો છે.
શું છે મામદાનીનો વિવાદાસ્પદ પ્રસ્તાવ?
શહેરની અંદાજિત $5.4 અબજની બજેટ ખાધને પહોંચી વળવા માટે મેયર મામદાનીએ એક સાહસિક પણ વિવાદાસ્પદ યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ, એસ્ટેટ ટેક્સની મુક્તિ મર્યાદા જે અત્યારે $70 લાખ (7 Million) છે, તેને ઘટાડીને માત્ર $7.5 લાખ (750,000) કરવાની દરખાસ્ત છે. એટલું જ નહીં, ટોચના એસ્ટેટ ટેક્સના દરને વર્તમાન 16 ટકાથી વધારીને સીધો 50 ટકા કરવાની હિમાયત કરવામાં આવી છે.
'મારા માતા-પિતાના સંઘર્ષનું અપમાન' – કોમાટીરેડ્ડી
આ પ્રસ્તાવ સામે રોષ વ્યક્ત કરતા સરિતા કોમાટીરેડ્ડીએ ભાવુક થઈને જણાવ્યું કે, "મારા માતા-પિતા 1980ના દાયકામાં ન્યૂ યોર્ક આવ્યા હતા અને કોની આઇલેન્ડના એક નાના એપાર્ટમેન્ટથી શરૂઆત કરી હતી. તેમનું સ્વપ્ન હતું કે સખત મહેનત કરી પોતાનું ઘર બનાવવું અને તે વારસામાં બાળકોને આપવું. આ નવો ટેક્સ ઇમિગ્રન્ટ્સના એ સ્વપ્નને સજા આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ આખી જિંદગી મહેનત કરીને કંઈક બનાવે, ત્યારે તેના મૃત્યુ સમયે સરકાર તેનો અડધો હિસ્સો લઈ લે તે અન્યાય છે."
ઇમિગ્રન્ટ્સ અને ઘર માલિકીનો આંકડો
કોમાટીરેડ્ડીએ સેન્ટર ફોર માઇગ્રેશન સ્ટડીઝના આંકડા ટાંકીને કહ્યું કે ન્યૂ યોર્કમાં ઘર માલિકીનો સૌથી વધુ દર નેચરલાઇઝ્ડ ઇમિગ્રન્ટ્સ ધરાવે છે, જેમાંથી લગભગ 45% લોકો પોતાના ઘરો ધરાવે છે. આ ટેક્સ સૌથી વધુ આ મધ્યમવર્ગીય પરિવારોને અસર કરશે. તેમણે રિપબ્લિકન ગવર્નર ઉમેદવાર બ્રુસ બ્લેકમેન સાથે મળીને સિટી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આ દરખાસ્તનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
રાજકીય અવરોધો
જોકે, આ પ્રસ્તાવને અમલમાં મૂકવા માટે મેયર મામદાનીને ગવર્નર કેથી હોચુલ અને રાજ્ય વિધાનસભાના ટેકાની જરૂર પડશે. ગવર્નર હોચુલે અગાઉ ઉચ્ચ વેરાનો વિરોધ કર્યો છે, કારણ કે તેમને ડર છે કે વધુ પડતા કરવેરાને કારણે ધનિક રહેવાસીઓ ન્યૂ યોર્ક છોડીને બીજા રાજ્યોમાં પલાયન કરી શકે છે.
સરિતા કોમાટીરેડ્ડી હાલમાં ફેડરલ પ્રોસિક્યુટર તરીકે સેવા આપે છે અને 2026ની ચૂંટણીમાં લેટિટિયા જેમ્સ સામે મેદાનમાં છે. આ ટેક્સ વિવાદ આગામી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
