હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં ભારતીય ટેક પ્રોફેશનલ અને પત્રકાર વચ્ચે 'ફૂડ ટ્રક' મુદ્દે ઉગ્ર બોલાચાલી: H-1B વિઝાના દુરુપયોગના આરોપોથી સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું
'હું મારા નિયમો જાણું છું, શું પત્નીને મદદ કરવી ગુનો છે?' – પત્રકારના સવાલો સામે ભારતીય વિઝા ધારકનો જડબાતોડ જવાબ, અંગ્રેજી બોલવા મુદ્દે પણ વિવાદ વકર્યો

ડલ્લાસ (ટેક્સાસ): તા.૧ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ભારતીય H-1B વિઝા ધારક અને સ્થાનિક પત્રકાર વચ્ચેનો હાઈ-વોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વાયરલ થયો છે. આ વિવાદ H-1B વિઝાના કથિત દુરુપયોગ અને વિદેશી કામદારોના અધિકારોની આસપાસ ફરે છે. પત્રકાર સારા ગોન્ઝાલેસે દાવો કર્યો હતો કે નવીન તુમ્માલા નામના ભારતીય ટેક વર્કર, જેઓ 'ફ્લેક્સેરા ગ્લોબલ' કંપનીમાં કામ કરે છે, તે નિયમોની વિરુદ્ધ જઈને ડલ્લાસ-ફોર્ટ વર્થ વિસ્તારમાં 'ગોલ્કોન્ડા એક્સપ્રેસ' નામનો ફૂડ ટ્રક બિઝનેસ ચલાવે છે.
પત્રકારનો આરોપ અને 'માસ્ટરશેફ'નો વિવાદ
પત્રકારે ફૂડ ટ્રક પર જઈને નવીન તુમ્માલાને ઘેરી લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો કે નવીન સોશિયલ મીડિયા પર રસોઈના વીડિયો મૂકે છે અને પોતાને "માસ્ટરશેફ" તરીકે ઓળખાવે છે, જે H-1B વિઝાની શરતોનું ઉલ્લંઘન છે, કારણ કે આ વિઝા ધારક માત્ર પ્રાયોજિત કંપનીમાં જ કામ કરી શકે છે. ગોન્ઝાલેસે આક્ષેપ કર્યો હતો કે વિઝા ધારકો અને તેમના આશ્રિતો ગેરકાયદેસર રીતે વ્યવસાયો ચલાવી રહ્યા છે.
'હું મારા અધિકારો જાણું છું' – ભારતીય યુવાનનો વળતો પ્રહાર
વીડિયોમાં નવીન તુમ્માલા અત્યંત આત્મવિશ્વાસ સાથે પત્રકારના પ્રશ્નોના જવાબ આપતા દેખાય છે. તેમણે સ્પષ્ટપણે નકાર્યું કે તેઓ ફૂડ ટ્રકના માલિક કે રસોઇયા છે. નવીને કહ્યું, "હું મારી ઓફિસના કામના કલાકો પછી અહીં પ્રિન્ટર ઠીક કરવા આવ્યો છું. આ બિઝનેસ મારી પત્નીનો છે, તો શું હું મારી પત્નીને મદદ પણ ન કરી શકું? શું મને આ કામ માટે પગાર મળી રહ્યો છે? ના. હું મારા નિયમો અને અધિકારો સારી રીતે જાણું છું."
વંશીય ટિપ્પણી અને સોશિયલ મીડિયા પર ચર્ચા
આ વાતચીત દરમિયાન મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે પત્રકારે એવી ટિપ્પણી કરી કે તેને નવીનનું અંગ્રેજી સમજાતું નથી. નવીને વળતો પ્રહાર કરતા કહ્યું કે, "તમે માફી માંગો. તમે જે ઈચ્છો તે કરી શકો છો, પણ પહેલા તમારા પોતાના ઘરના આંગણાની તપાસ કરો." આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો વિઝા નિયમોના ચુસ્ત પાલનની માંગ કરી રહ્યા છે, તો ઘણા લોકો પત્રકારની પદ્ધતિને 'હેરેસમેન્ટ' ગણાવી ભારતીય પ્રોફેશનલના સમર્થનમાં આવ્યા છે.
અમેરિકામાં ઇમિગ્રેશનના નિયમો પહેલેથી જ કડક બની રહ્યા છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ભારતીય સમુદાય અને વિઝા ધારકો માટે નવી ચિંતાનો વિષય બન્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
