News of Wednesday, 1st April 2026
સાવધાન! જો આ ઉનાળામાં યુરોપ જવાનું પ્લાનિંગ હોય તો એરપોર્ટ પર ૩ કલાક વહેલા પહોંચજો, નવી ડિજિટલ સિસ્ટમ બની શકે છે માથાનો દુખાવો
EU ની નવી 'એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ' (EES) થી મુસાફરો મુશ્કેલીમાં: બ્રસેલ્સ એરપોર્ટ પર સેંકડો લોકોની ફ્લાઈટ ચૂકાઈ ગઈ, હવે પાસપોર્ટ પર સ્ટેમ્પને બદલે ફિંગરપ્રિન્ટ અને ફેસ સ્કેન લેવાશે

બ્રસેલ્સ: તા.૧ આ ઉનાળામાં યુરોપના સુંદર દેશોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો તમારી મુસાફરીના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવાની તૈયારી રાખજો. યુરોપિયન યુનિયનની નવી ડિજિટલ બોર્ડર કંટ્રોલ સિસ્ટમ 'EES' ને કારણે એરપોર્ટ પર લાંબી કતારો અને કલાકો સુધીનો વિલંબ જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, બ્રસેલ્સના ઝવેન્ટેમ એરપોર્ટ પર આ નવી પ્રક્રિયાને કારણે મુસાફરોને ૩ કલાકથી વધુ રાહ જોવી પડી હતી, જેના પરિણામે અંદાજે ૬૦૦ જેટલા પ્રવાસીઓએ તેમની ફ્લાઇટ ગુમાવી છે.
શું છે આ નવી EES સિસ્ટમ?
યુરોપિયન યુનિયન હવે જૂની પાસપોર્ટ સ્ટેમ્પિંગ પદ્ધતિને વિદાય આપી રહ્યું છે. તેની જગ્યાએ ૧૦ એપ્રિલ, ૨૦૨૬ થી તમામ ૨૯ યુરોપિયન દેશોમાં નવી 'એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ' (EES) સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ સિસ્ટમ હેઠળ, બિન-EU મુસાફરો (જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે) ના બાયોમેટ્રિક ડેટા જેવા કે ચહેરાના ફોટા અને ફિંગરપ્રિન્ટ્સ ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફિંગરપ્રિન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેમના ફોટા લેવામાં આવશે.
પ્રવાસીઓના ડેટા પર રહેશે ડિજિટલ નજર
આ સિસ્ટમનો મુખ્ય હેતુ સરહદ સુરક્ષા વધારવાનો અને ગેરકાયદેસર રોકાણ (Overstay) ને અટકાવવાનો છે. જે પ્રવાસીઓ વિઝા-મુક્ત છે અથવા ટૂંકા ગાળાના વિઝા પર છે, તેઓ ૧૮૦ દિવસના સમયગાળામાં ૯૦ દિવસથી વધુ રોકાશે તો સિસ્ટમ તરત જ એલર્ટ જારી કરશે. આ ડિજિટલ રેકોર્ડ તમામ સહભાગી EU દેશોમાં શેર કરવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિ એક દેશમાં પ્રવેશ્યા પછી બીજા દેશમાં ક્યાં સુધી રોકાય છે તેનું સચોટ ટ્રેકિંગ થઈ શકે.
મુસાફરી પહેલા આટલું ધ્યાન રાખજો
નવી સિસ્ટમ ટ્રાફિકિંગ રોકવા અને સુરક્ષા માટે ફાયદાકારક હોવા છતાં, તેના પ્રારંભિક તબક્કે ટેકનિકલ મુશ્કેલીઓ અને સ્ટાફની તાલીમના અભાવે એરપોર્ટ પર ભારે ભીડ થઈ રહી છે. પ્રસ્થાન સમયે ૨ કલાક અને આગમન સમયે ૩ કલાક સુધીનો વેઇટિંગ પીરિયડ સામાન્ય બની રહ્યો છે. જો તમે પણ આગામી દિવસોમાં યુરોપના પ્રવાસે જઈ રહ્યા હોવ, તો એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચવું અને ફ્લાઇટની સ્થિતિ વિશે અપડેટ રહેવું હિતાવહ છે.
યુરોપના દેશોમાં પ્રવેશવાની પ્રક્રિયા હવે વધુ કડક અને ડિજિટલ બની રહી છે, જે લાંબા ગાળે પ્રવાસીઓ માટે સુરક્ષિત રહેશે, પરંતુ હાલના તબક્કે તે મુસાફરોની ધીરજની કસોટી કરી રહી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
