News of Wednesday, 1st April 2026
પ્રમિલા જયપાલનો ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ભાવુક સંદેશ: 'ટ્રાન્સ ડે ઓફ વિઝિબિલિટી' નિમિત્તે સંસદમાં રજૂ કર્યો ઐતિહાસિક ઠરાવ, ટ્રમ્પ સરકારની નીતિઓની આકરી ટીકા
"ટ્રાન્સ અધિકારો એ જ માનવ અધિકારો છે": અમેરિકામાં સમાનતા માટે કાયદાકીય લડાઈ તેજ બની, તે જ દિવસે ભારતમાં રાષ્ટ્રપતિએ વિવાદાસ્પદ ટ્રાન્સ રાઈટ્સ બિલને આપી મંજૂરી

વોશિંગ્ટન: તા.૧ અમેરિકાના ભારતીય મૂળના શક્તિશાળી કોંગ્રેસવુમન અને ટ્રાન્સજેન્ડર ઇક્વાલિટી ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ પ્રમિલા જયપાલે ૩૧ માર્ચના રોજ 'ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી'ની ઉજવણીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાન્સજેન્ડર અને લિંગ-વિવિધ સમુદાયના લોકોની સિદ્ધિઓને ઓળખવાનો અને સમાજમાં તેમને સમાન સન્માન અપાવવાનો છે.
ભેદભાવ સામે જાગૃતિનો દિવસ
વર્ષ ૨૦૦૯માં કાર્યકર્તા રશેલ ક્રેન્ડલ-ક્રોકર દ્વારા શરૂ કરાયેલ આ દિવસ માત્ર હિંસા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ટ્રાન્સજેન્ડર લોકોના હકારાત્મક યોગદાનની ઉજવણી કરે છે. પ્રમિલા જયપાલે આ પ્રસંગે ભાવુક સંદેશ આપતા કહ્યું કે, "હું આપણા ટ્રાન્સ પ્રિયજનોની સાથે મજબૂતીથી ઉભી છું. ટ્રમ્પ અને રિપબ્લિકન પક્ષ દ્વારા આ સમુદાય પર થઈ રહેલા ક્રૂર હુમલાઓ સામે આપણે રક્ષણ આપવું પડશે. દરેક વ્યક્તિ પોતાની ઓળખ સાથે પ્રમાણિકતાથી જીવી શકે તેવા અમેરિકાનું નિર્માણ કરવું આપણી પ્રાથમિકતા છે."
રાજકીય આક્ષેપબાજી અને સમર્થન
જયપાલે ટ્રમ્પ વહીવટીતંત્ર પર ટ્રાન્સજેન્ડર અધિકારોના ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો હતો. તેમના આ ઠરાવને ડેમોક્રેટિક પ્રતિનિધિઓ સારા જેકબ્સ, માર્ક ટાકાનો અને સેનેટર બ્રાયન શાટ્ઝનું પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું છે. 'એડવોકેટ્સ ફોર ટ્રાન્સ ઇક્વાલિટી' જેવી સંસ્થાઓએ પણ આ પગલાને આવકાર્યું છે, અને જણાવ્યું છે કે આ ઠરાવ સ્પષ્ટ કરે છે કે ગમે તેટલા હુમલા થાય, આ સમુદાયને જોવામાં આવશે અને સાંભળવામાં આવશે.
ભારતમાં પણ મોટા ફેરફાર અને વિરોધ
રસપ્રદ વાત એ છે કે, જે દિવસે અમેરિકામાં આ ઠરાવ આવ્યો, તે જ દિવસે ભારતમાં પણ ટ્રાન્સજેન્ડર અધિકારોને લઈને મોટી હલચલ જોવા મળી હતી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) સુધારા બિલ'ને મંજૂરી આપી દીધી છે. જોકે, ભારતીય કાર્યકરો આ બિલની આકરી ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ નવો કાયદો ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યાને સંકુચિત કરે છે અને સ્વ-ઓળખના અધિકારને બદલે ફરજિયાત તબીબી પ્રમાણપત્રની શરત લાદે છે.
સમગ્ર વિશ્વમાં અત્યારે ટ્રાન્સજેન્ડર સમુદાયની ઓળખ અને તેમના કાયદાકીય અધિકારો પર ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં પ્રમિલા જયપાલ જેવા નેતાઓ અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
