<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

અમેરિકાના રાજકારણમાં ખળભળાટ: શક્તિશાળી ઇઝરાયલ લોબી 'AIPAC' મને નિશાન બનાવી રહી છે, ભારતીય મૂળના સાંસદ રો ખન્નાનો ગંભીર આરોપ

નીતિગત વલણ અને જેફરી એપસ્ટેઇન કેસમાં જવાબ માંગવા બદલ વિરોધી પ્રચાર તેજ કરાયાનો દાવો: રો ખન્નાએ સમર્થકોને આર્થિક મદદ અને એકજૂથ થવા કરી અપીલ

 

વોશિંગ્ટન: તા.૧ અમેરિકાના પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ ઇઝરાયલ તરફી શક્તિશાળી લોબિસ્ટ જૂથ 'અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી' (AIPAC) પર ગંભીર આક્ષેપો કરીને સનસનાટી મચાવી દીધી છે. ૩૧ માર્ચના રોજ એક નિવેદન જારી કરીને ખન્નાએ દાવો કર્યો હતો કે, તેમના નીતિગત વલણો અને કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા બદલ તેમને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ભંડોળ અને જાહેરાતો દ્વારા ઘેરવાનો પ્રયાસ

રો ખન્નાએ આરોપ લગાવ્યો છે કે AIPAC દ્વારા તેમની વિરુદ્ધ મોટા પાયે નકારાત્મક જાહેરાતો અને ભંડોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઇઝરાયલ પરના તેમના સ્વતંત્ર વલણ અને જેફરી એપસ્ટેઇનના કથિત કવર-અપ મામલે તીખા સવાલો પૂછવાને કારણે શક્તિશાળી હિત ધરાવતા જૂથો હવે તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડવા સક્રિય થયા છે.

સમર્થકોને મેદાનમાં ઉતરવા હાકલ

આ રાજકીય હુમલાઓનો સામનો કરવા માટે રો ખન્નાએ પોતાના સમર્થકો અને મતદારોને એકજૂથ થવા વિનંતી કરી છે. તેમણે તેમના ચૂંટણી અભિયાનમાં આર્થિક યોગદાન આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, આવા શક્તિશાળી જૂથો સામેની લડાઈમાં સામાન્ય જનતાનો સાથ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાની CA-17 કોંગ્રેસ સીટ પરથી રો ખન્ના પ્રતિનિધિત્વ કરે છે અને આ વખતે આ રેસમાં અન્ય એક ભારતીય-અમેરિકન દાવેદાર પણ મેદાનમાં છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.

વિવાદનું મૂળ શું છે?

રો ખન્ના અવારનવાર યુએસ વિદેશ નીતિ અને ઇઝરાયલને મળતી લશ્કરી સહાય અંગે સવાલો ઉઠાવતા રહ્યા છે, જે AIPAC જેવા સંગઠનોને પસંદ નથી. બીજી તરફ, હાઇ-પ્રોફાઇલ એપસ્ટેઇન કેસમાં ન્યાયની માંગ કરીને તેમણે વોશિંગ્ટનના સત્તાના કોરિડોરમાં અનેક વિરોધીઓ ઉભા કર્યા હોવાનું મનાય છે.

અમેરિકાની આગામી ચૂંટણીઓ પહેલા ડાયસ્પોરા નેતાઓ અને આંતરરાષ્ટ્રીય લોબી વચ્ચેનો આ સંઘર્ષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે.

(5:31 PM IST)