<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: રાજેશ ખન્નાના પરિવારને મોટી રાહત, અનિતા અડવાણીની 'પત્ની' તરીકેનો દરજ્જો મેળવવાની અરજી ફગાવી દીધી

લિવ-ઇન રિલેશનશિપ એ કાયદેસર લગ્ન નથી: જસ્ટિસ શર્મિલા દેશમુખની બેન્ચે ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમારની દલીલો ગ્રાહ્ય રાખી, ૧૪ વર્ષ જૂના વિવાદનો અંત આવવાના સંકેત

મુંબઈ: તા.૧ બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની મિલકત અને તેમના સંબંધોને લઈને ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈમાં આજે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે અનિતા અડવાણીની એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોને કાનૂની માન્યતા અને લગ્ન જેવો દરજ્જો આપવાની માંગ કરી હતી. આ ચુકાદાથી ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારને મોટી કાનૂની જીત મળી છે.

શું હતો સમગ્ર વિવાદ?

વર્ષ ૨૦૧૨માં રાજેશ ખન્નાના અવસાન બાદ અનિતા અડવાણીએ દાવો કર્યો હતો કે તેઓ લાંબા સમય સુધી અભિનેતા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતા અને તેમનો સંબંધ લગ્ન જેવો જ હતો. તેમણે રાજેશ ખન્નાના આઇકોનિક બંગલા 'આશીર્વાદ'માંથી પોતાને કાઢી મૂકવા બદલ અને ઘરેલુ હિંસા મુદ્દે અક્ષય કુમાર અને ડિમ્પલ કાપડિયા સામે કેસ દાખલ કર્યો હતો. જોકે, કોર્ટે અગાઉ જ ઘરેલુ હિંસાના આરોપોને રદ કરી દીધા હતા.

કોર્ટનું મહત્વનું અવલોકન

ન્યાયાધીશ શર્મિલા દેશમુખની બેન્ચે દિંડોશી સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખતા જણાવ્યું કે, માત્ર સાથે રહેવાથી (લિવ-ઇન) સંબંધને કાયદેસરના લગ્ન ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનિતા અડવાણી કાયદેસર રીતે રાજેશ ખન્નાના પત્ની તરીકેના અધિકારોનો દાવો કરી શકે નહીં. આ સાથે જ અભિનેતાની મિલકતમાં હિસ્સો મેળવવાની તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

'આશીર્વાદ' બંગલાનો મામલો

રાજેશ ખન્ના જે બંગલામાં પોતાના છેલ્લા દિવસો વિતાવ્યા હતા તે 'આશીર્વાદ' બંગલો આ વિવાદનું મુખ્ય કેન્દ્ર હતું. જોકે, કાનૂની પ્રક્રિયા દરમિયાન જ આ બંગલો ઘણા સમય પહેલા વેચાઈ ગયો છે. અનિતા અડવાણીએ આક્ષેપ કર્યો હતો કે તેમને અન્યાયી રીતે બંગલામાંથી બહાર કરવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેમની દલીલોમાં તથ્ય ન હોવાનું જણાવી અરજી રદ કરી છે.

રાજેશ ખન્નાના પરિવાર માટે આ ચુકાદો માનસિક શાંતિ લાવનારો સાબિત થયો છે, જ્યારે અનિતા અડવાણી માટે આ એક મોટો કાનૂની ઝટકો માનવામાં આવે છે. વિગતવાર લેખિત આદેશ હવે પછી જારી કરવામાં આવશે.

(5:34 PM IST)