News of Wednesday, 1st April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મહાજંગ : ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયતો સહિત ૨૬૦ તાલુકા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : જાણો વિગતવાર સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગુ : ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરાશે : ૧૧ નગરપાલિકાઓની ખાલી બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત : સરકારી બદલીઓ અને રજાઓ પર તાત્કાલિક પ્રતિબંધ

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬માં યોજવા માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ અને મહત્વની તારીખો:
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીની પ્રક્રિયા નીચે મુજબની તારીખોએ હાથ ધરાશે:
• ચૂંટણીની જાહેરાત: ૦૧-૦૪-૨૦૨૬.
• જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ: ૦૬-૦૪-૨૦૨૬.
• ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ: ૧૧-૦૪-૨૦૨૬.
• ઉમેદવારીપત્રોની ચકાસણી: ૧૩-૦૪-૨૦૨૬.
• ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫-૦૪-૨૦૨૬.
• મતદાનની તારીખ: ૨૬-૦૪-૨૦૨૬ (રવિવાર, સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી).
• મતગણતરી: ૨૮-૦૪-૨૦૨૬.
• ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: ૩૦-૦૪-૨૦૨૬.
ચૂંટણી હેઠળની મુખ્ય મહાનગરપાલિકાઓ અને વિસ્તારો
સામાન્ય ચૂંટણી હેઠળ આવતી ૧૫ મુખ્ય મહાનગરપાલિકાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીધામ, આણંદ (કરમસદ), નડીઆદ, નવસારી, મહેસાણા, મોરબી, વાપી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
નગરપાલિકાઓની વિગતવાર યાદી:
રાજ્યના વિવિધ જિલ્લાઓની કુલ ૮૪ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે, જેમાં મુખ્યત્વે:
• અમદાવાદ: ધોળકા, વિરમગામ, બારેજા.
• અમરેલી: અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ધારી.
• આણંદ: ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ, સોજીત્રા, તારાપુર.
• કચ્છ: અંજાર, માંડવી, ભુજ, મુન્દ્રા બારોઈ, નખત્રાણા.
• ભરૂચ: ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, આમોદ.
• બનાસકાંઠા: પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ.
• પંચમહાલ: ગોધરા, શહેરા.
આ ઉપરાંત વડનગર, પ્રાંતિજ, કુતિયાણા, રાણાવાવ, રાધનપુર, બાંટવા, મહેમદાવાદ, મહુધા, લુણાવાડા, થાનગઢ અને સલાયા જેવી ૧૧ નગરપાલિકાઓમાં ખાલી પડેલી ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી:
૩૪ જિલ્લા પંચાયતો અને તેની હેઠળની ૨૬૦ તાલુકા પંચાયતોમાં પણ મતદાન થશે. અમદાવાદની દસક્રોઇ, સાણંદ, બાવળા; અમરેલીની ધારી, બાબરા; કચ્છની ભુજ, માંડવી; અને સુરતની ઓલપાડ, કામરેજ સહિતના તમામ તાલુકાઓમાં ચૂંટણીનો માહોલ જામશે.
આચાર સંહિતાના કડક નિયમો અને પ્રતિબંધો:
ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે ૦૧-૦૪-૨૦૨૬ થી ૨૮-૦૪-૨૦૨૬ સુધી આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ દરમિયાન:
• ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા (તબીબી કારણો સિવાય) મંજૂર કરી શકાશે નહિ.
• સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નવી નિમણૂકો આપી શકાશે નહિ.
• મતદારોને પ્રભાવિત કરે તેવી જાહેરાતો, વચનો કે નાણાંકીય ગ્રાન્ટની જાહેરાત પર સપૂર્ણ પ્રતિબંધ રહેશે.
• વિવેકાધીન ફંડમાંથી કોઈ પણ પ્રકારની ચૂકવણી કરી શકાશે નહિ.
આ સૂચનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓના ધ્યાન પર લાવવા પણ આદેશ કરાયો છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, કલેક્ટરશ્રીઓ અને પોલીસ કમિશનરશ્રીઓને પણ આ પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના અપાઈ છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
