<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

દરિયાના રસ્તે 'ખંડણી' કે કાયદેસરનો ટેક્સ?: ઈરાન હવે હોર્મુઝમાં ડેનમાર્ક જેવો 600 વર્ષ જૂનો દાવ ખેલવાની તૈયારીમાં!

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા 'ટોલ પ્લાઝા' શરૂ કરવાની હિલચાલ: શું ઐતિહાસિક 'સાઉન્ડ ડ્યુઝ'ની જેમ આધુનિક યુગમાં પણ કુદરતી જળમાર્ગો પર ટેક્સ વસૂલાશે? જાણો શું છે આખો વિવાદ અને તેનો રોચક ઈતિહાસ

તેહરાન:  પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભડકા વચ્ચે ઈરાને હવે દરિયાઈ વેપાર પર પોતાનો સકંજો કસવાની રણનીતિ અપનાવી છે. હોર્મુઝની સામુદ્રધુની, જ્યાંથી વિશ્વનો 20% થી વધુ તેલ પુરવઠો પસાર થાય છે, ત્યાં ઈરાન હવે વિદેશી જહાજો પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાનનો દાવો છે કે તે આ નાણાંનો ઉપયોગ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને જહાજોની સલામતી માટે કરશે. જોકે, આ નિર્ણય પાછળ ઈઝરાયેલ અને અમેરિકા જેવા શત્રુ દેશોને આર્થિક પછાડ આપવાનો હેતુ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જો આ 'ટોલ પ્લાઝા' કાર્યરત થાય, તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને શિપિંગ ઉદ્યોગમાં મોટો ખળભળાટ મચી શકે તેમ છે.

આ ઘટનાક્રમે ઈતિહાસ પ્રેમીઓને 600 વર્ષ જૂના ડેનમાર્કના 'સાઉન્ડ ડ્યુઝ'ની યાદ અપાવી દીધી છે. ઈસવીસન 1429 માં ડેનમાર્કના રાજા એરિકે ઓરેસુન્ડ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કર લાદ્યો હતો. તે સમયે સ્થિતિ એવી હતી કે જો કોઈ કેપ્ટન ટેક્સ ભરવાની ના પાડે, તો હેલ્સિંગોર કિલ્લા પર તૈનાત તોપો તે જહાજને દરિયામાં ડુબાડી દેતી હતી. નવાઈની વાત એ છે કે આ ટેક્સ ડેનમાર્કની કુલ આવકનો 70% હિસ્સો ધરાવતો હતો. ઈરાન અત્યારે એ જ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું હોય તેવું લાગે છે, જેમાં તે રિયાલ-આધારિત ટોલ સિસ્ટમ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે.

જોકે, આધુનિક આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ કુદરતી જળમાર્ગો પર આ રીતે ટેક્સ વસૂલવો એ ગેરકાયદેસર માનવામાં આવે છે. 1857માં કોપનહેગન સંમેલન દ્વારા ડેનમાર્કનો આ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો, કારણ કે તે મુક્ત વેપારમાં અવરોધરૂપ હતો. ઈરાન જ્યારે સુરક્ષાના નામે ટેક્સની વાત કરે છે, ત્યારે વિશ્વના દેશો તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. જો હોર્મુઝમાં આવો કોઈ ટેક્સ લાગુ થાય, તો તે માત્ર આર્થિક મુદ્દો નહીં રહે પણ એક મોટા લશ્કરી સંઘર્ષનું કારણ પણ બની શકે છે, કારણ કે આ માર્ગ પર ઘણા દેશોના હિતો જોડાયેલા છે.

(6:17 PM IST)