News of Wednesday, 1st April 2026
બ્રિટનનો મોટો વળાંક: ટ્રમ્પના 'વોર પ્લાન' સામે કીર સ્ટાર્મરની નો-એન્ટ્રી : હોર્મુઝ ખોલવા 35 દેશોની ઈમરજન્સી બેઠક!
અમેરિકા અને નાટો વચ્ચે તિરાડ: ઈરાન સામેના યુદ્ધમાં જોડાવાનો બ્રિટનનો સ્પષ્ટ ઈનકાર : વૈશ્વિક તેલ પુરવઠો બચાવવા લંડન હવે રાજદ્વારી માર્ગે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ' દ્વારા ઉકેલ લાવશે

લંડન: પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતો નિર્ણય લીધો છે. સ્ટાર્મરે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે બ્રિટન ઈરાન સામેના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં અમેરિકાનો સાથ આપશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ છતાં, બ્રિટિશ સરકારે આ જંગને 'પોતાનું યુદ્ધ' માનવાનો ઈનકાર કરી દીધો છે. સ્ટાર્મરના મતે, બ્રિટન માટે નાગરિકોનું હિત સર્વોપરી છે અને તેઓ દેશને બીજા કોઈના યુદ્ધમાં હોમવા માંગતા નથી. આ જાહેરાતથી વોશિંગ્ટન અને લંડન વચ્ચેના દાયકાઓ જૂના વ્યૂહાત્મક સંબંધોમાં તિરાડ પડતી દેખાઈ રહી છે.
બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરમાં સર્જાયેલી ઉર્જા કટોકટીને ઉકેલવા બ્રિટને હવે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ'નું શસ્ત્ર ઉગામ્યું છે. આ અઠવાડિયે બ્રિટન 35 જેટલા પ્રભાવશાળી દેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે, જેનો મુખ્ય હેતુ સૈન્ય કાર્યવાહી વગર આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને ફરીથી ખુલ્લો કરાવવાનો છે. ટ્રમ્પ જ્યારે નાટોને 'કાગળનો વાઘ' ગણાવી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સૂર મિલાવી રહ્યા છે, ત્યારે બ્રિટનનું આ રાજદ્વારી પગલું યુરોપિયન દેશોમાં નવી આશા જન્માવી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ (UNDP) પણ ચેતવણી આપી ચૂક્યું છે કે જો હોર્મુઝનો માર્ગ જલ્દી નહીં ખુલે તો પશ્ચિમ એશિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડશે.
ટ્રમ્પની ઈરાન સામેની આક્રમક રણનીતિ અને નાટોમાંથી ખસી જવાની ધમકીએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માળખાને હચમચાવી દીધું છે. અમેરિકા ઈચ્છતું હતું કે નાટો દેશો હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજો મોકલે, પરંતુ બ્રિટન સહિતના સભ્ય દેશોએ પીછેહઠ કરતા ટ્રમ્પ રોષે ભરાયા છે. હવે આ 35 દેશોની બેઠક પર વિશ્વની નજર છે, કારણ કે જો આ મંત્રણા નિષ્ફળ જશે તો તેલના ભાવો અને વૈશ્વિક મોંઘવારી અકલ્પનીય સ્તરે પહોંચી શકે છે. બ્રિટનનો આ 'પીસ પ્લાન' ટ્રમ્પના 'વોર પ્લાન' સામે કેટલો ટકી શકશે, તે આવનારો સમય જ બતાવશે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
