News of Wednesday, 1st April 2026
પાકિસ્તાનનું 'આતંક-પ્રેમ' ફરી બેનકાબ: શાહબાઝ શરીફના ખાસ સલાહકાર અને આતંકી હાફિઝ સઈદના પુત્રની ગુપ્ત મુલાકાત!
ફૈસલાબાદના લગ્ન સમારોહમાં રાણા સનાઉલ્લાહ અને મોસ્ટ વોન્ટેડ આતંકી તલ્હા સઈદ વચ્ચેની ગરમજોશીભરી મુલાકાતનો ફોટો વાયરલ: આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આતંકવાદ વિરોધી વાતોનો ફિયાસ્કો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પરમ વિશ્વાસુ અને રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહનો એક વિવાદાસ્પદ ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે, જેણે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ફરી એકવાર દુનિયા સામે ઉઘાડો પાડ્યો છે. ફૈસલાબાદમાં આયોજિત એક લગ્ન સમારોહમાં સનાઉલ્લાહ ભારત સામે ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આકા હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ સાથે હાથ મિલાવતા અને હસતા મુખે વાતો કરતા કેમેરામાં કેદ થયા છે. જે દેશનો મંત્રી કક્ષાનો નેતા વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકીના પરિવાર સાથે આટલી નિકટતા ધરાવતો હોય, તે દેશ આતંકવાદને નાબૂદ કરવાની વાતો કેવી રીતે કરી શકે? આ સવાલે હવે દિલ્હીથી લઈને વોશિંગ્ટન સુધી હલચલ મચાવી દીધી છે.
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને તેનો પુત્ર તલ્હા માત્ર ભારતના જ નહીં, પણ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની બ્લેક લિસ્ટમાં સામેલ છે. તલ્હા સઈદને ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે અને તે લશ્કરની નાણાકીય પાંખ સંભાળતો હોવાનું મનાય છે. આ મુલાકાત એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાનમાં સત્તા પર કોઈ પણ હોય, પરંતુ આતંકવાદી સંગઠનો સાથેના તેમના 'અપવિત્ર ગઠબંધન' ક્યારેય તૂટતા નથી. શાહબાઝ શરીફની સરકાર એક તરફ આર્થિક મદદ માટે દુનિયા સામે હાથ ફેલાવે છે અને બીજી તરફ તેમના જ કેબિનેટના સદસ્યો આતંકના આકાઓ સાથે મિજબાનીઓ માણે છે, જે પાકિસ્તાની નેતાઓની બેવડી નીતિનો જીવંત પુરાવો છે.
ભારત માટે આ ઘટના અત્યંત ગંભીર છે કારણ કે હાફિઝ સઈદ પુલવામા હુમલા અને કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે જવાબદાર રહ્યો છે. NIA અને અન્ય તપાસ એજન્સીઓ પાસે પૂરતા પુરાવા છે કે સઈદ પરિવાર પાકિસ્તાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યો છે. જ્યારે પાકિસ્તાની અધિકારીઓ આ રીતે આતંકીઓ સાથે જાહેરમાં જોવા મળે, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે ત્યાંની ન્યાયતંત્ર અને જેલ માત્ર એક 'દેખાવો' છે અને આતંકીઓ હજુ પણ પાકિસ્તાની સ્ટેટ ગેસ્ટ તરીકે સુરક્ષિત છે. આ વાયરલ તસવીરે પાકિસ્તાનને ફરી એકવાર FATF જેવી સંસ્થાઓના રડાર પર લાવી દીધું છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
