<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

સંસદમાં હંગામો: રાજ્યસભામાં CAPF બિલ પાસ, વિપક્ષનો વોકઆઉટ અને 'ગોળી ચલાવવાના અધિકાર' પર રાજકીય જંગ!

સશસ્ત્ર દળોના માળખામાં ફેરફાર લાવતા 'કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ નિયમન બિલ 2026' પર જામ્યો જંગ : નિત્યાનંદ રાયે કોંગ્રેસ પર સાધ્યું નિશાન : ખડગેએ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ સાથે ગૃહ છોડ્યું

નવી દિલ્હી:  રાજ્યસભામાં 'કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) નિયમન બિલ, 2026' પસાર થવાની સાથે જ ભારતીય રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ બિલને દળોની કાર્યક્ષમતા અને મનોબળ વધારનારું ગણાવ્યું હતું, પરંતુ વિપક્ષે તેને સૈનિકોના હિતો વિરુદ્ધ ગણાવી ભારે વિરોધ કર્યો હતો. ચર્ચા દરમિયાન મંત્રીએ એક તીખું નિવેદન આપતા કહ્યું કે, "અગાઉની કોંગ્રેસ સરકારે જવાનોના હાથ-પગ બાંધી દીધા હતા; તેઓ છાતી પર ગોળી ખાવા તૈયાર હતા પણ તેમને વળતો જવાબ આપવાનો અધિકાર નહોતો, જે અમારી સરકારે આપ્યો છે." મંત્રીના આ આક્રમક તેવર બાદ ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.

બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાંચ મુખ્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. ખડગેએ આક્ષેપ કર્યો હતો કે આ બિલમાં ડેપ્યુટેશન, કેડર મેનેજમેન્ટ અને જવાનોની કારકિર્દીની પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટતા નથી, જે તેમના મનોબળ પર નકારાત્મક અસર કરી શકે છે. જ્યારે ખડગેએ આ બિલને વધુ તપાસ માટે પસંદગી સમિતિ (Select Committee) પાસે મોકલવાની માંગ કરી, ત્યારે અધ્યક્ષ સ્થાનેથી નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવતા મામલો બિચક્યો હતો. ખડગેએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તેમનો અવાજ દબાવવા માંગે છે, અને ત્યારબાદ સમગ્ર વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

વિપક્ષની ગેરહાજરીમાં જ આ મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યું હતું. ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષના વોકઆઉટને 'સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મંત્રીના જવાબ પછી સ્પષ્ટતા માંગવાને બદલે ગૃહ છોડી જવું એ લોકશાહીની પરંપરા નથી. સરકારનો દાવો છે કે આ બિલથી CAPF અધિકારીઓને સમયસર પ્રમોશન મળશે અને ગ્રુપ-A ઓફિસરના કેડર મેનેજમેન્ટમાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે. જોકે, વિપક્ષના વોકઆઉટ અને ઉઠાવેલા સવાલોએ આ બિલના અમલીકરણ અને તેની અસરો પર એક મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.

(6:19 PM IST)