News of Wednesday, 1st April 2026
ઈરાનમાં ભયાનક 'તખ્તાપલટો': રાષ્ટ્રપતિ લાચાર અને ખામેની કેદ! હવે કમાન્ડરોના હાથમાં સત્તાની કમાન: ટ્રમ્પનો પ્લાન ફેલ?
તેહરાનમાં પડદા પાછળ ખેલાયો લોહિયાળ ખેલ: IRGCએ ચૂંટાયેલી સરકારને કરી લકવાગ્રસ્ત : સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની આસપાસ લશ્કરી ઘેરો અને અલી અસગર હેજાઝીને હટાવવાનું મોટું કાવતરું

તેહરાન: ઈરાનની ધરતી પર અત્યારે સત્તાની એવી જંગ છેડાઈ છે જેની કલ્પના કદાચ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નહીં કરી હોય. ઇઝરાયેલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં એક 'મૌન બળવો' થયો છે, જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની સરકાર હવે માત્ર નામની રહી ગઈ છે. અહેવાલો મુજબ, ઈરાનનું નિયંત્રણ હવે કોઈ રાજનેતાના હાથમાં નહીં, પરંતુ IRGCના એવા કટ્ટરપંથી કમાન્ડરો પાસે છે જેઓ ફક્ત યુદ્ધની ભાષા સમજે છે. ટ્રમ્પનું ઈરાનમાં શાસન બદલવાનું સપનું તો પૂરું ન થયું, પણ ઈરાનની અંદર જ લશ્કરી પરિષદે સત્તા કબજે કરી લેતા હવે મુત્સદ્દીગીરીના તમામ દરવાજા બંધ થઈ ગયા હોય તેવું લાગે છે.
સૌથી વધુ ચોંકાવનારી વિગત સુપ્રીમ લીડર મોજતબા ખામેની વિશે સામે આવી રહી છે. મોજતબાને પદ સોંપાયા બાદ તેઓ ક્યાં છે અને તેમની તબિયત કેવી છે, તે એક રહસ્ય બની ગયું છે. લશ્કરી પરિષદે તેમની આસપાસ એટલો કડક સુરક્ષા ઘેરો બનાવ્યો છે કે રાષ્ટ્રપતિ પોતે પણ તેમને મળી શકતા નથી. આ દરમિયાન, મોજતબાના નજીકના ગણાતા અલી અસગર હેજાઝીને પદભ્રષ્ટ કરવાનું કાવતરું પણ તેજ બન્યું છે, કારણ કે તેમણે ચેતવણી આપી હતી કે જો મોજતબા સત્તા પર આવશે તો આખો દેશ IRGCના બૂટ નીચે દબાઈ જશે. આ આંતરિક ખેંચતાણને કારણે ઈરાન અત્યારે વિસ્ફોટક સ્થિતિમાં છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે ઈરાનમાં હવે વાતચીત કરવા માટે કોઈ નાગરિક સરકાર જ બચી નથી. પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ એકમોનો કબજો હવે સીધો જાનૂની જનરલો પાસે છે, જેઓ કોઈ પણ દબાણને વશ થવા તૈયાર નથી. ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલો સૂચવે છે કે આ મિલિટરી કાઉન્સિલ મધ્ય પૂર્વમાં પરમાણુ યુદ્ધ છેડવા સુધી પણ જઈ શકે છે. જ્યારે સત્તા એવા લોકોના હાથમાં જાય જેમને હારનો ડર નથી, ત્યારે વૈશ્વિક શાંતિ માટે ખતરો અનેકગણો વધી જાય છે. ટ્રમ્પ માટે હવે ઈરાન એક એવો કોયડો બની ગયો છે જેને ઉકેલવો અશક્ય લાગી રહ્યો છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
