News of Wednesday, 1st April 2026
નકલ કરવામાં પણ અક્કલ જોઈએ! પાકિસ્તાને ભારતનું 'ડિજિટલ મોડેલ' તો ચોર્યું, પણ ખાલી તિજોરી કેવી રીતે ભરશે?
મોદીના 'આત્મનિર્ભર ડિજિટલ ઈન્ડિયા' સામે શાહબાઝ શરીફનું 'ઉધારનું ડિજિટલાઇઝેશન': વિદેશી કંપનીઓના ભરોસે 5G અને કેશલેસ ઇકોનોમીના સપના જોતું પાકિસ્તાન આર્થિક જાળમાં ફસાશે?

ઈસ્લામાબાદ: ભારતમાં ચાલી રહેલી ડિજિટલ ક્રાંતિનો ડંકો જ્યારે આખી દુનિયામાં વાગી રહ્યો છે, ત્યારે પડોશી દેશ પાકિસ્તાન પણ હવે 'કેશલેસ' બનવાના સપના જોઈ રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં VEON ગ્રુપના CEO સાથે મુલાકાત કરી દેશમાં 5G સ્પેક્ટ્રમ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની ગુલબાંગો પોકારી છે. જોકે, ભારત અને પાકિસ્તાનના મોડેલમાં જમીન-આસમાનનો તફાવત છે. ભારતે UPI જેવી ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી દમ પર બનાવી છે, જ્યારે પાકિસ્તાન તેના ડિજિટલ ભવિષ્ય માટે વિદેશી કંપનીઓના 'કાખઘોડી' પર આધાર રાખી રહ્યું છે. શાહબાઝ શરીફ જે 5G ને પોતાની સિદ્ધિ ગણાવે છે, તે ટેકનોલોજી ભારતના ગામડે-ગામડે વર્ષોથી કાર્યરત છે.
ભારતમાં ડિજિટલ પેમેન્ટ સફળ થવાનું સૌથી મોટું કારણ તેનું 'ઝીરો કોસ્ટ' મોડેલ છે. પીએમ મોદીએ UPI ને એક જન આંદોલન બનાવી દીધું છે, જ્યાં સામાન્ય લારીવાળો પણ કોઈ વધારાના ચાર્જ વગર પેમેન્ટ સ્વીકારે છે. આ સિસ્ટમ પાછળનો અબજો રૂપિયાનો ખર્ચ ભારત સરકાર સબસિડી તરીકે ભોગવે છે. બીજી તરફ, પાકિસ્તાન જે વિદેશી કંપનીઓ (જેમ કે Jazz World) ના સહારે ડિજિટલાઇઝેશન કરવા માંગે છે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકકલ્યાણ નહીં પણ 'નફો' છે. જો વિદેશી કંપનીઓ દરેક ટ્રાન્ઝેક્શન પર કમિશન લેશે, તો પાકિસ્તાનની મોંઘવારીથી ત્રસ્ત જનતા ફરીથી રોકડ તરફ વળી જશે અને શાહબાઝનું કેશલેસ સપનું અધૂરું રહી જશે.
પાકિસ્તાનની અત્યારની આર્થિક સ્થિતિ જોતા તે ભારતની જેમ ડિજિટલ વ્યવહારો પર સબસિડી આપી શકે તેમ નથી. IMFના દેવા નીચે દબાયેલા દેશ પાસે પોતાના સર્વર્સ કે સુરક્ષા જાળ જાળવવાની આર્થિક શક્તિ નથી. વિદેશી કંપનીઓ જ્યારે રોકાણ કરશે, ત્યારે તે પોતાનો નફો ડોલરમાં સ્વદેશ પરત મોકલશે, જેનાથી પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડાર પર વધુ દબાણ આવશે. આમ, ભારતની નકલ કરવા જતા પાકિસ્તાન એક એવી આર્થિક જાળમાં ફસાઈ શકે છે જ્યાં ટેકનોલોજી તો આવશે, પણ તે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડશે. ડિજિટલ ઇન્ડિયા 'આત્મનિર્ભરતા'નું પ્રતીક છે, જ્યારે પાકિસ્તાનનું મોડેલ 'નિર્ભરતા'નું નવું ઠેકાણું બની રહ્યું છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
