<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

દરિયાની વચ્ચે ૨૦,૦૦૦ ખલાસીઓનો જીવ તાળવે ચોંટ્યો: હોર્મુઝમાં ખોરાક અને પાણીની પ્રચંડ અછત, મદદ માટે હેલ્પલાઇન પર SOS સંદેશાઓનો મારો

પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે ૨,૦૦૦ જહાજો મધદરિયે ફસાયા: પાંચ અઠવાડિયાથી ચાલી રહેલી નાકાબંધી અને જટિલ દરિયાઈ કાયદાઓએ ખલાસીઓની હાલત કફોડી કરી

નવી દિલ્હી:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી ભયાનક અસર હવે દરિયાઈ માર્ગો પર જોવા મળી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા તેલ પરિવહન માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' માં હાલમાં ૨,૦૦૦ થી વધુ જહાજો અટવાઈ પડ્યા છે, જેમાં ૨૦,૦૦૦ થી વધુ ખલાસીઓ ફસાયેલા છે. આ ખલાસીઓ પાસે હવે જીવવા માટે જરૂરી ખોરાક અને પીવાના પાણીનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે, જેના કારણે દરિયાની વચ્ચે એક મોટી માનવીય કટોકટી સર્જાઈ છે.

પાંચ અઠવાડિયાથી અટકેલું નેવિગેશન

યુદ્ધ હવે તેના પાંચમા અઠવાડિયામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ઈરાન તરફથી મળતી સતત ધમકીઓને કારણે આ દરિયાઈ માર્ગ પર જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે. ખલાસીઓ દ્વારા મોકલવામાં આવતા SOS (કટોકટીના સંદેશા) થી ઇમરજન્સી હેલ્પલાઇન ભરાઈ ગઈ છે. દરિયામાં ફસાયેલા લોકો લાચારી અનુભવી રહ્યા છે કારણ કે બહારથી કોઈ પણ પ્રકારની મદદ પહોંચાડવી જોખમી બની ગઈ છે.

કાયદાકીય ગૂંચવણો અને જીવનું જોખમ

ખલાસીઓની મુશ્કેલી માત્ર ખોરાક-પાણીની અછત પૂરતી મર્યાદિત નથી. જટિલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ તેમને પોતાના જહાજો છોડીને જવાની મંજૂરી આપતા નથી. જો તેઓ જહાજ છોડે તો તેના માલિકો અને વીમા કંપનીઓ સામે કાનૂની પ્રશ્નો ઉભા થાય છે, જેના કારણે તેઓ મજબૂરીવશ મોત અને ભૂખના સાયે જહાજ પર જ રહેવા મજબૂર છે.

વૈશ્વિક ચિંતામાં વધારો

આ જહાજો પર ભારત સહિત અનેક દેશોના ખલાસીઓ કામ કરી રહ્યા છે, જેમના પરિવારો અત્યારે ભારે ચિંતામાં છે. જો આગામી થોડા દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે કોઈ રાજદ્વારી રસ્તો નહીં નીકળે, તો આ ૨૦,૦૦૦ ખલાસીઓનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. વિશ્વના નેતાઓ અત્યારે આ માનવીય હોનારતને રોકવા માટે મથામણ કરી રહ્યા છે.

મધદરિયે ફસાયેલા આ 'દરિયાઈ વીરો' અત્યારે વિશ્વની શાંતિ અને યુદ્ધ વિરામની આશાએ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

 

(6:34 PM IST)