હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચંદીગઢમાં પંજાબ ભાજપ મુખ્યાલય બહાર પ્રચંડ વિસ્ફોટ: પાર્ક કરેલા સ્કૂટરમાં ધડાકો થતા આખું શહેર ધ્રુજ્યું, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
સેક્ટર 37 માં સાંજના સમયે થયેલા બ્લાસ્ટથી દહેશતનો માહોલ: સદનસીબે જાનહાનિ ટળી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તાર સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ

ચંદીગઢ: પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢ આજે સાંજે એક શક્તિશાળી વિસ્ફોટથી હચમચી ઉઠી હતી. શહેરના સેક્ટર 37 માં આવેલા પંજાબ ભાજપના પ્રદેશ મુખ્યાલયની બિલકુલ બહાર પાર્ક કરેલા એક સ્કૂટરમાં સાંજે આશરે ૫:૦૦ વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સ્થાનિક રહીશો અને પક્ષના કાર્યકરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સ્કૂટર બન્યું બોમ્બ: જાનહાનિ ટળી
પ્રાપ્ત અહેવાલો અનુસાર, વિસ્ફોટ ભાજપ કાર્યાલયની બહાર ઉભેલા એક સ્કૂટરમાં થયો હતો. સદનસીબે, વિસ્ફોટ સમયે કોઈ વ્યક્તિ તેની નજીક ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતા જ ચંદીગઢના એસએસપી (SSP) અને આઈજી (IG) પુષ્પેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ સ્થળ પર છે અને નમૂના એકત્રિત કરી રહી છે કે આ વિસ્ફોટ પાછળ કયા પ્રકારના કેમિકલ કે વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો.
શહેરમાં હાઈ-એલર્ટ: કાવતરાની આશંકા
ભાજપ મુખ્યાલય જેવી સંવેદનશીલ જગ્યાની બહાર થયેલા આ વિસ્ફોટને પગલે સમગ્ર ચંદીગઢ શહેરને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે જેથી એ જાણી શકાય કે આ સ્કૂટર કોણ મૂકી ગયું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
રાજકીય વર્તુળોમાં ફફડાટ
પંજાબમાં રાજકીય ગરમાવો તેજ છે ત્યારે ભાજપના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવેલો આ વિસ્ફોટ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પોલીસ દરેક પાસાથી તપાસ કરી રહી છે. હાલમાં ભાજપ કાર્યાલયની અંદર કોઈ નુકસાન થયું નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા અત્યંત સજ્જ કરી દેવામાં આવી છે.
ચંદીગઢ જેવા શાંત શહેરમાં થયેલા આ ધડાકાએ સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી છે અને પોલીસ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
