News of Wednesday, 1st April 2026
અનિલ અંબાણીની મુશ્કેલીમાં ધરખમ વધારો: LIC સાથે ₹3,750 કરોડની છેતરપિંડીના આરોપમાં CBIની મોટી કાર્યવાહી!
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને પૂર્વ ચેરમેન વિરુદ્ધ FIR દાખલ: સામાન્ય જનતાના પરસેવાની કમાણી ડૂબાડવાનો ખેલ? રોકાણ પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ

નવી દિલ્હી: કોર્પોરેટ જગતના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફરી એકવાર કાયદાકીય સકંજામાં ફસાયા છે. CBIએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને તેના તત્કાલીન ચેરમેન અનિલ અંબાણી સામે છેતરપિંડીનો ગંભીર કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર વિવાદ ભારતીય જીવન વીમા નિગમ (LIC) સાથે જોડાયેલો છે, જેમાં આરોપ છે કે અનિલ અંબાણીની કંપનીએ LIC ને અંદાજે ₹3,750 કરોડનું અધધધ નુકસાન પહોંચાડ્યું છે. LIC એ વિશ્વાસ મૂકીને RCom ના સુરક્ષિત ડિબેન્ચર્સમાં જે રોકાણ કર્યું હતું, તે નાણાં પરત ન મળતા હવે તપાસ એજન્સીએ આકરી કાર્યવાહી હાથ ધરી છે.
આ કૌભાંડના મૂળ વર્ષ 2009 અને 2012 માં રહેલા છે, જ્યારે LIC એ RCom દ્વારા જારી કરાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ માં કુલ ₹4,500 કરોડનું તોિંગ રોકાણ કર્યું હતું. LIC ના કાનૂની વિભાગની ફરિયાદ મુજબ, આ રોકાણ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હતો અને જાણીજોઈને નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ રોકાણના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને છેવટે ₹3,750 કરોડની રકમ અટવાઈ ગઈ. આ મામલો માત્ર બિઝનેસ ડિફોલ્ટનો નથી, પરંતુ તેમાં પૂર્વ આયોજિત છેતરપિંડીની ગંધ આવતી હોવાથી CBI એ વિગતવાર તપાસ શરૂ કરી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ FIR માં માત્ર અનિલ અંબાણી જ નહીં, પરંતુ કેટલાક 'અજાણ્યા' સરકારી અધિકારીઓનો પણ ઉલ્લેખ છે. CBI ને શંકા છે કે LIC જેવી સરકારી સંસ્થા દ્વારા આટલું મોટું જોખમી રોકાણ કરવા પાછળ ઉચ્ચ સ્તરે બેઠેલા અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે. તપાસ એજન્સી હવે એ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે શું આ રોકાણ કરવા માટે કોઈ રાજકીય દબાણ કે લાંચનો ઉપયોગ થયો હતો? સામાન્ય જનતા જેમના પ્રીમિયમના નાણાં LIC માં સુરક્ષિત માને છે, તે નાણાંના આવા દુરુપયોગે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
