<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

શું બિટકોઇનનું સામ્રાજ્ય ખતમ થઈ જશે? ગૂગલના નવા સંશોધને ક્રિપ્ટો માર્કેટમાં મચાવ્યો ફફડાટ, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માત્ર ૯ મિનિટમાં તોડી શકશે બ્લોકચેનની સુરક્ષા

૫ લાખ ક્વિબિટ્સની શક્તિ ધરાવતા કમ્પ્યુટર્સ ડિજિટલ લોક તોડવા સક્ષમ: ઇથેરિયમ અને બિટકોઇન વોલેટ પર 'ઓન-સ્પેન્ડ' હુમલાનો ખતરો, એલોન મસ્કે ચપટી લેતા કહ્યું- 'પાસવર્ડ ભૂલનારાઓ માટે હવે આશા જાગી!'

મુંબઈ:  ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં અત્યારે એક નવા અને અદ્રશ્ય ખતરાની ચર્ચાએ જોર પકડ્યું છે. અત્યાર સુધી જે બ્લોકચેન ટેકનોલોજીને 'અભેદ્ય' માનવામાં આવતી હતી, તેની સુરક્ષા સામે ગૂગલના એક તાજેતરના અભ્યાસે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. ગૂગલના સંશોધન મુજબ, અત્યાધુનિક 'ક્વોન્ટમ કમ્પ્યુટર્સ' હવે ધાર્યા કરતા ઓછા સમય અને સંસાધનો સાથે બિટકોઇન તેમજ ઇથેરિયમ જેવી સુરક્ષિત ગણાતી ડિજિટલ કરન્સીના લોક તોડી શકે છે.

૯ મિનિટમાં પ્રાઈવેટ કીની ચોરી શક્ય

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ઇથેરિયમ ફાઉન્ડેશન સાથે મળીને તૈયાર કરાયેલા આ રિસર્ચ પેપરમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જો કોઈ હુમલાખોર પાસે પૂરતી ક્ષમતા ધરાવતું ક્વોન્ટમ કમ્પ્યુટર હોય, તો તે માત્ર ૯ મિનિટની અંદર તમારી 'પ્રાઈવેટ કી' (ગુપ્ત પાસવર્ડ) શોધી શકે છે. સામાન્ય રીતે બિટકોઇનમાં એક બ્લોક બનતા ૧૦ મિનિટ લાગે છે, એટલે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય તે પહેલા જ મધદરિયે તમારા સિક્કાઓની ચોરી થઈ શકે છે, જેને ટેકનિકલ ભાષામાં 'ઓન-સ્પેન્ડ એટેક' કહેવાય છે.

૫ લાખ ક્વિબિટ્સનો જાદુ

અગાઉ નિષ્ણાતો એવું માનતા હતા કે બ્લોકચેન તોડવા માટે લાખો ક્વિબિટ્સની શક્તિ જોઈશે, જે અશક્ય જેવું હતું. પરંતુ ગૂગલના રિસર્ચ અનુસાર, હવે માત્ર ૫,૦૦,૦૦૦ ભૌતિક ક્વિબિટ્સ ધરાવતા ક્વોન્ટમ કમ્પ્યુટર્સ આ કામ કરી શકશે. આનો અર્થ એ થયો કે જે સુરક્ષા તોડતા આધુનિક કમ્પ્યુટર્સને હજારો વર્ષ લાગે, તેને ક્વોન્ટમ કમ્પ્યુટર્સ પળવારમાં સાફ કરી શકે છે. આ ખતરો મુખ્યત્વે ત્રણ પ્રકારના હુમલા - ઓન-સ્પેન્ડ, એટ-રેસ્ટ અને ઓન-સેટઅપ દ્વારા આવી શકે છે.

નિષ્ક્રિય વોલેટ્સ માટે સૌથી મોટો ખતરો

સૌથી વધુ ચિંતા એ અબજો ડોલરના બિટકોઇન્સની છે જે વર્ષોથી જૂના વોલેટ્સમાં પડ્યા છે અને જેની કી ખોવાઈ ગઈ છે. આ વોલેટ્સને નવી સુરક્ષા પ્રણાલી (Post-Quantum Cryptography) માં અપગ્રેડ કરવા અશક્ય છે. જો ભવિષ્યમાં ક્વોન્ટમ ટેકનોલોજી વધુ સુલભ બનશે, તો આ 'ડિજિટલ ખજાનો' હુમલાખોરો માટે આસાન શિકાર બની શકે છે.

એલોન મસ્કનો રમૂજી અંદાજ

આ ગંભીર ચર્ચા વચ્ચે ટેક ટાયકૂન એલોન મસ્કે પોતાના અનોખા અંદાજમાં ટિપ્પણી કરી છે. તેમણે મજાકમાં કહ્યું કે, "આમાં સારી વાત એ છે કે જો તમે તમારા વોલેટનો પાસવર્ડ ભૂલી ગયા હોવ, તો ભવિષ્યમાં આ ટેકનોલોજીની મદદથી તમે તેને ફરી મેળવી શકશો!" જોકે, બીજી તરફ બાઈનન્સના પૂર્વ CEO ચાંગપેંગ ઝાઓએ રોકાણકારોને ગભરાવાને બદલે નવી અને સુરક્ષિત અલ્ગોરિધમ સિસ્ટમ તરફ આગળ વધવાની સલાહ આપી છે.

ક્રિપ્ટોકરન્સીના ભાવમાં આવતી અસ્થિરતા વચ્ચે હવે સુરક્ષાના આ નવા પડકારે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. શું બ્લોકચેન સમયસર પોતાને અપગ્રેડ કરી શકશે કે ક્વોન્ટમ યુગમાં ડિજિટલ ગોલ્ડ કાગળ બની જશે? તે જોવું રસપ્રદ રહેશે.

 

(7:07 PM IST)