<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ડ્રેગનની મધ્યસ્થી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના 'ખૂની ખેલ'ને રોકવા ચીને ઉરુમકીમાં બિછાવી શતરંજ!

ઓપરેશન ગઝબ-ઉલ-હક બાદ પહેલીવાર આમને-સામને આવ્યા લડતા પડોશીઓ: TTP અને ETIM જેવા આતંકી સંગઠનો પર કાબુલના વાયદા અને ચીનનો પોતાનો સ્વાર્થ

ઉરુમકી: પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને ડામવા માટે હવે ચીને 'મોટા ભાઈ'ની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. ચીનના ઉરુમકી શહેરમાં બુધવારે બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે ગુપ્ત મંત્રણાનો દોર શરૂ થયો છે. 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલા એરસ્ટ્રાઈક અને 'ઓપરેશન ગઝબ-ઉલ-હક' બાદ આ બંને દેશો વચ્ચેની પ્રથમ મોટી બેઠક છે. રસપ્રદ વાત એ છે કે, કાબુલે પોતે ઈસ્લામાબાદ સાથે વાતચીત કરવા માટે ચીનની મદદ માંગી હતી, જેના પગલે ચીને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારને આ ત્રિપક્ષીય મિકેનિઝમમાં જોડાવા માટે વિશેષ વિનંતી કરી હતી.

ચીન માટે આ મધ્યસ્થી માત્ર શાંતિ સ્થાપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ તેનો પોતાનો ડર પણ છુપાયેલો છે. ચીનને ચિંતા છે કે અફઘાનિસ્તાનમાં સક્રિય 'પૂર્વ તુર્કસ્તાન ઇસ્લામિક ચળવળ' (ETIM) તેના પોતાના ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરી શકે છે. આ બેઠકમાં અફઘાનિસ્તાન તરફથી એવા સંકેતો મળ્યા છે કે તેઓ પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ, ખાસ કરીને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ઠેકાણાઓ પર લગામ લગાવવા માટે સહમત થઈ શકે છે. પાકિસ્તાની પ્રતિનિધિમંડળમાં લશ્કરી અને ગુપ્તચર અધિકારીઓની હાજરી એ સાબિત કરે છે કે આ મંત્રણામાં સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ સૌથી ઉપર છે.

જોકે, આ મંત્રણાના પરિણામો અંગે રાજદ્વારી નિષ્ણાતોમાં હજુ પણ શંકા છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જ્યાં સુધી તાલિબાન શાસન આતંકવાદીઓને ટેકો આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી શાંતિ શક્ય નથી. બીજી તરફ, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા દેશોના દબાણ હેઠળ પાકિસ્તાને ઈદ નિમિત્તે ઓપરેશનમાં વિરામ તો આપ્યો હતો, પણ તેનો હેતુ હજુ પૂરો થયો નથી. ચીન ભલે વેપાર માર્ગો ફરીથી ખોલવા અને વિશ્વાસ વધારવા પર ભાર મૂકી રહ્યું હોય, પરંતુ TTP ના આતંકી હુમલાઓ બંધ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન નમતું જોખે તેવી શક્યતા ઓછી જણાય છે.

(7:26 PM IST)