<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

લોકશાહીના પર્વમાં કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત નહીં રહે: સુપ્રીમ કોર્ટનો પશ્ચિમ બંગાળ સંદર્ભે ઐતિહાસિક નિર્ધાર

વોટર લિસ્ટમાંથી નામ કપાયું હશે તો પણ ટ્રિબ્યુનલ પાસે જઈ શકાશે; સર્વોચ્ચ અદાલતે અપીલ ટ્રિબ્યુનલને નવા દસ્તાવેજો ચકાસવાની આપી છૂટ

નવી દિલ્હી:  ભારતની લોકશાહીમાં 'મતદાનનો અધિકાર' સર્વોપરી છે અને કોઈ પણ સંજોગોમાં આ બંધારણીય અધિકારને કાયમી ધોરણે છીનવી શકાય નહીં. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિનું નામ ટેકનિકલ કારણોસર કે ભૂલથી યાદીમાંથી બાકાત રહી ગયું હોય, તો પણ ટ્રિબ્યુનલના નિર્ણય બાદ તેને સુધારી શકાશે.

અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કટ-ઓફ તારીખને કારણે કોઈને મતદાનથી રોકવું એ અમુક કિસ્સામાં અનિવાર્ય હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિના મતાધિકારને કાયમ માટે ખતમ કરી શકાય નહીં. જો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ટ્રિબ્યુનલને જણાય કે મતદારને બાકાત રાખવો ગેરવાજબી હતો, તો તેની પૂરક યાદીમાં સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાશે. કોર્ટે ચેતવણી આપી હતી કે જો આવા અધિકારોને સંપૂર્ણપણે નકારી દેવામાં આવે તો તે "અત્યંત દમનકારી પરિસ્થિતિ" પેદા કરશે.

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુપ્રીમ કોર્ટે અપીલ ટ્રિબ્યુનલને નવા દસ્તાવેજો પર વિચાર કરવાની મંજૂરી આપી છે. જોકે, બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ટ્રિબ્યુનલે આ દસ્તાવેજોની અધિકૃતતા અને સત્યતાની સખત તપાસ કરવી પડશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને ચૂંટણી પંચના વકીલો વચ્ચે થયેલી દલીલો બાદ કોર્ટે આદેશ આપ્યો કે અપીલ અધિકારી પાસે તમામ રેકોર્ડ રજૂ કરવામાં આવશે, જેથી પીડિત વ્યક્તિ ન્યાય મેળવી શકે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સુધારાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં મળેલા ૬૦ લાખ વાંધાઓમાંથી આશરે ૪૭.૪ લાખનો નિકાલ થઈ ચૂક્યો છે. દરરોજ અંદાજે પોણા બે થી બે લાખ જેટલી અરજીઓ પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જેનાથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં આ મામલે ૧૯ જેટલી સ્પેશિયલ અપીલ ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવી છે, જેની આગામી સુનાવણી ૬ એપ્રિલના રોજ યોજાશે.

(8:21 PM IST)