News of Wednesday, 1st April 2026
આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ આવશે :કેન્સરની સારવારમાં AI નો થશે ઉપયોગ
ઈન્ડિયા-એઆઈ મિશન હેઠળ 10 પ્રોજેક્ટ્સની પસંદગી, દર્દીઓને થશે મોટો ફાયદો

ભારત સરકારના મહત્વાકાંક્ષી 'ઈન્ડિયા-એઆઈ મિશન' અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય નાગરિકોના જટિલ પ્રશ્નો ઉકેલવા માટે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે નેશનલ કેન્સર ગ્રીડ સાથે મળીને 'કેન્સર એઆઈ એન્ડ ટેકનોલોજી ચેલેન્જ' (CATCH) શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત કેન્સરના નિદાન અને સારવાર માટે ૧૦ પ્રગતિશીલ મોડલ્સની પસંદગી કરવામાં આવી છે.
વડાપ્રધાનના 'મેકિંગ એઆઈ ઈન ઈન્ડિયા' અને 'મેકિંગ એઆઈ વર્ક ફોર ઈન્ડિયા'ના વિઝનને સાકાર કરવા માટે માર્ચ ૨૦૨૪માં ૧૦,૩૭૧.૯૨ કરોડ રૂપિયાના બજેટ સાથે આ મિશનની મંજૂરી આપવામાં આવી હતી. આ મિશનના સાત મુખ્ય સ્તંભો છે, જેમાં ડેટા સેટ્સ, કમ્પ્યુટિંગ ક્ષમતા અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા મળેલી વિગતો મુજબ, આ મિશનનો હેતુ માત્ર ટેકનોલોજી વિકસાવવાનો જ નહીં, પરંતુ આરોગ્ય, કૃષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તેનાથી સામાન્ય માણસના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો, 'કેચ' (CATCH) અંતર્ગત દેશભરના સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ૨૯૯ પ્રસ્તાવો મળ્યા હતા. જેમાંથી પસંદ કરાયેલા ૧૦ પ્રોજેક્ટ્સને હવે આર્થિક સહાય અને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મંચ પૂરું પાડવામાં આવશે. ભારત જે રીતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (UPI અને આધાર) દ્વારા વિશ્વમાં અગ્રેસર રહ્યું છે, તેવી જ રીતે આ એઆઈ મિશન દ્વારા પણ વિકાસશીલ દેશો માટે એક નવો ચીલો ચાતરવા માંગે છે. નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૩૫ સુધીમાં એઆઈ ભારતીય અર્થતંત્રમાં ૧.૭ ટ્રિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે.
આ પહેલથી માત્ર રોગના ચોકસાઈપૂર્વકના નિદાનમાં જ મદદ નહીં મળે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નિષ્ણાત તબીબોની અછત છે, ત્યાં એઆઈ આધારિત ટૂલ્સ દ્વારા આરોગ્ય સેવાઓ પહોંચાડવી સરળ બનશે. આમ, ભારત હવે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સામાજિક પડકારોનો સામનો કરવા માટે સજ્જ બન્યું છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
