<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

લોકશાહીના મહાપર્વમાં ઉબેરની અનોખી પહેલ: કેરળના મતદારો હવે 'ફ્રી રાઇડ' માં જઈ શકશે મતદાન કરવા

એર્નાકુલમ અને તિરુવનંતપુરમમાં ઉબેર આપશે મફત સેવા; 9 એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માસ્ટર પ્લાન

તિરુવનંતપુરમ: કેરળ વિધાનસભા ચૂંટણી 2026 હવે તેના ચરમસીમા પર છે, ત્યારે મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે એક ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. ઉબેર ઈન્ડિયાએ કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સાથે હાથ મિલાવીને એર્નાકુલમ અને તિરુવનંતપુરમના મતદારો માટે 'ફ્રી રાઇડ' યોજનાની જાહેરાત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનવ્યવહારના અભાવે કોઈ પણ મતદાર ઘરે બેસી ન રહે અને વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ યોજના હેઠળ, 9 એપ્રિલના રોજ મતદાનના દિવસે મતદારો ઉબેર એપ્લિકેશન દ્વારા કાર, ઓટો અથવા બાઇક બુક કરી શકશે. ખાસ વાત એ છે કે, ઉબેર એપ્લિકેશનમાં જ તમામ મતદાન મથકોના લોકેશન સેટ કરવામાં આવ્યા છે. પિકઅપ પોઈન્ટથી 2 કિલોમીટર સુધીની સફર સંપૂર્ણપણે મફત રહેશે. જો અંતર 2 કિલોમીટરથી વધુ હશે, તો જ મતદારે વધારાના અંતરનું સામાન્ય ભાડું ચૂકવવું પડશે. આ સુવિધાથી ખાસ કરીને વૃદ્ધો અને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકીય ગરમાવો પણ હવે તેની ટોચ પર છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, કેરળની 140 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. વર્તમાન શાસક પક્ષ LDF, જે છેલ્લા એક દાયકાથી સત્તા પર છે, તે પોતાની હેટ્રિક લગાવવા માંગે છે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળની NDA અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDF સત્તા પરિવર્તન માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

યાદ અપાવી દઈએ કે 2021ની ચૂંટણીમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નેતૃત્વમાં LDF એ 99 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. આ વખતે જંગ વધુ રોમાંચક છે કારણ કે NDA પોતાનો વ્યાપ વધારવા મથામણ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 9 એપ્રિલે કેરળની જનતા કોના નસીબનો ફેંસલો કરે છે અને ઉબેરની આ 'ફ્રી રાઇડ' મતદાનના આંકડામાં કેટલો ઉછાળો લાવે છે.

(8:46 PM IST)