<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

કિટકેટનો મોટો જથ્થો ગાયબ: લાખો ચોકલેટ ભરેલી ટ્રક ચોરાઈ, કંપનીએ કહ્યું- 'આ કોઈ એપ્રિલ ફૂલની મજાક નથી!'

યુરોપમાં 4 લાખથી વધુ કિટકેટ બારની ચોરી થતા ખળભળાટ; ચોકલેટ શોધવા માટે કંપનીએ વેબસાઇટ પર લોન્ચ કર્યું સ્પેશિયલ ટ્રેકર

લંડન:  અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે 'એપ્રિલ ફૂલ' મનાવી રહ્યું છે, ત્યારે વિશ્વવિખ્યાત ચોકલેટ બ્રાન્ડ કિટકેટ એક ગંભીર મુસીબતમાં ફસાઈ છે. નેસ્લેની માલિકીની કિટકેટે પુષ્ટિ કરી છે કે યુરોપમાં 4,13,793 ચોકલેટ બાર લઈને જતી એક ટ્રક રહસ્યમય રીતે ચોરાઈ ગઈ છે. શરૂઆતમાં લોકોને લાગ્યું કે ૧લી એપ્રિલ હોવાથી કંપની કોઈ પ્રેન્ક (મજાક) કરી રહી છે, પરંતુ કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સ્ટંટ નથી પણ હકીકત છે.

આ ઘટના ત્યારે બની જ્યારે ઇટાલીથી પોલેન્ડ જઈ રહેલી ટ્રક રસ્તામાં જ ગાયબ થઈ ગઈ. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મીમ્સનો પૂર આવ્યો હતો. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ અને આસામ પોલીસ જેવા સરકારી તંત્રોએ પણ કિટકેટની પ્રખ્યાત ટેગલાઇન "ટેક અ બ્રેક" (Take a Break) પર રમૂજી ટિપ્પણીઓ કરી હતી. જોકે, કિટકેટે ગંભીરતાપૂર્વક જવાબ આપતા કહ્યું કે, "અમે ખરેખર જાણવા માંગીએ છીએ કે અમારા ચોકલેટ બાર ક્યાં ગયા છે."

પરિસ્થિતિની ગંભીરતાને જોતા કંપનીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક અનોખું 'ટ્રેકર' મૂક્યું છે. ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે જો તેમને શંકા હોય, તો તેઓ તેમના ચોકલેટ પેકેટ પરનો 8-અંકનો બેચ નંબર વેબસાઇટ પર ચેક કરી શકે છે. આ ટ્રેકર જણાવશે કે તે ચોકલેટ ચોરાયેલા જથ્થાનો ભાગ છે કે નહીં. અત્યારે યુરોપના અનેક સ્ટોર્સમાં કિટકેટની ભારે અછત સર્જાઈ છે.

ચોરાયેલી ટ્રક અને તેની અંદર રહેલી લાખો ચોકલેટનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. પોલીસ અને તપાસ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ 'સ્વીટ ચોરી'નો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આટલો મોટો જથ્થો કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચ્યો છે કે પછી ચોર ટોળકી 'બ્રેક' લઈને કિટકેટની મજા માણી રહી છે!

(9:02 PM IST)