News of Wednesday, 1st April 2026
ડિજિટલ વર્લ્ડમાં ‘વર્લ્ડ વોર’: ઈરાનનો અમેરિકી ટેક જાયન્ટ્સ પર સીધો પ્રહાર : બહેરીનમાં એમેઝોનનું ડેટા સેન્ટર નિશાન બન્યું
મધ્ય પૂર્વના યુદ્ધની જ્વાળાઓ હવે ફિઝિકલ બોર્ડર ઓળંગીને સાયબર અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી : ગૂગલ, મેટા અને એપલ સહિત 18 કંપનીઓ પર ખતરો તોળાતા વૈશ્વિક ઈન્ટરનેટ અર્થતંત્રમાં ફફડાટ અને ટ્રમ્પની કઠોર વળતી કાર્યવાહીની ચેતવણી

દુબઈ : મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર આવી ગયો છે. ઈરાને તેની અગાઉની ચેતવણીને અમલમાં મૂકતા બહેરીન સ્થિત એમેઝોન (AWS) ના ડેટા સેન્ટર નજીક ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલોથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ હુમલામાં ડેટા સેન્ટરને સીધું નુકસાન થયું નથી, પરંતુ તેની આસપાસના ધડાકાઓને કારણે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હોવાનું મનાય છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હવે યુદ્ધ માત્ર જમીન કે આકાશમાં નહીં, પણ ડેટા અને સર્વર્સના માધ્યમથી લડવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે મેટા, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી 18 અમેરિકન ટેક કંપનીઓને પોતાના લક્ષ્ય તરીકે જુએ છે, કારણ કે આ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકી સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
આ હુમલાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે એમેઝોન વેબ સર્વિસીસ (AWS) એ વિશ્વનું સૌથી મોટું ક્લાઉડ નેટવર્ક છે. જો બહેરીન જેવા વ્યૂહાત્મક કેન્દ્ર પર મોટો હુમલો થાય, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભારત સહિત વિશ્વભરની બેંકિંગ સેવાઓ, રાઈડ-હેલિંગ એપ્સ અને ઓનલાઈન બિઝનેસ ઠપ્પ થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઈરાન હવે ડેટા અને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને અમેરિકાની ડિજિટલ કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રીતે જોઈએ તો, આ આધુનિક યુગનું ‘ડિજિટલ પર્લ હાર્બર’ સાબિત થઈ શકે છે, જ્યાં ડેટા સેન્ટરો યુદ્ધના નવા મેદાન બની ગયા છે.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે અમેરિકન ટેકનોલોજી કે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો કોઈપણ હુમલો એ સીધો અમેરિકા પરનો હુમલો ગણવામાં આવશે અને તેનો જવાબ લશ્કરી તાકાતથી આપવામાં આવશે. આ નિવેદને વૈશ્વિક બજારમાં ચિંતા વધારી દીધી છે, કારણ કે જો એપલ કે ગૂગલના સર્વર્સ પર હુમલો થાય તો કરોડો લોકોના iCloud ડેટા, Gmail અને YouTube જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ શકે છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર બહેરીન પર છે અને જો આ હુમલાની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો તે વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર અને ઇન્ટરનેટના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થશે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
