News of Wednesday, 1st April 2026
દિલ્હીમાં AAP સરકારના 2.50 લાખ CCTV કેમેરા હટાવવાનો આદેશ
રાષ્ટ્રીય સુરક્ષાના જોખમે લગાવવામાં આવેલા ચીની ટેકનોલોજીના કેમેરા હવે ઈતિહાસ બનશે : કેન્દ્રના નવા STQC નિયમો હેઠળ દિલ્હીના ખૂણેખૂણેથી હિકવિઝન કંપનીના શંકાસ્પદ સર્વેલન્સ નેટવર્કને ઉખેડી ફેંકી આધુનિક અને સુરક્ષિત ભારતીય સિસ્ટમ લગાવવાની કવાયત તેજ

નવી દિલ્હી: દિલ્હીમાં અગાઉની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા લગાવવામાં આવેલા લાખો CCTV કેમેરા પર હવે 'દેશદ્રોહ' અને ડેટા ચોરીનો ખતરો મંડરાતા ભાજપ શાસિત સરકાર દ્વારા તેને જડમૂળથી દૂર કરવાનો આક્રમક નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગના મંત્રી પરવેશ સાહિબ સિંહે જાહેર કર્યું છે કે, પ્રથમ તબક્કામાં લગાવેલા તમામ 1.40 લાખ કેમેરા ચીની કંપની 'હિકવિઝન'ના છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેટા લીક કરવા માટે બદનામ છે. દિલ્હીના નાગરિકોની અંગત માહિતી અને સુરક્ષા સંવેદનશીલ ડેટા ચીન પહોંચી રહ્યો હોવાની ગંભીર આશંકા વચ્ચે, સરકારે આ આખા નેટવર્કને બદલીને સુરક્ષિત ભારતીય ટેકનોલોજી સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સરકારના આ નિર્ણય પાછળ કેન્દ્ર દ્વારા જારી કરાયેલા કડક સુરક્ષા માપદંડો મુખ્ય કારણ છે. 1 એપ્રિલ, 2026 થી અમલી બનેલા નવા નિયમ મુજબ, હવે STQC પ્રમાણપત્ર વગરનો એક પણ કેમેરો વેચી કે લગાવી શકાશે નહીં. PWD મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ છીંડા ન રહે તે માટે પ્રથમ તબક્કામાં 50,000 કેમેરા તાત્કાલિક અસરથી બદલવામાં આવશે. આ પગલાથી માત્ર ગુનાખોરી પર લગામ જ નહીં, પણ વિદેશી જાસૂસીના સંભવિત જોખમોને પણ ખાળી શકાશે. અગાઉની સરકારે માત્ર આંકડા બતાવવા માટે ચીની માલનો ખડકલો કર્યો હોવાનો આરોપ પણ આ નિવેદનમાં લગાવવામાં આવ્યો છે.
આ પ્રક્રિયા તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે જેથી શહેરની વર્તમાન દેખરેખ વ્યવસ્થા ખોરવાય નહીં. નવી સિસ્ટમ હાઈ-ટેક ફીચર્સ અને મજબૂત ડેટા પ્રોટેક્શન લેયર સાથે સજ્જ હશે, જે સીધી રીતે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના પ્રોટોકોલને અનુસરશે. દિલ્હી સરકારના આ આદેશથી રાજકીય ગરમાવો તેજ થયો છે, પરંતુ ટેકનિકલ નિષ્ણાંતો તેને 'ડિજિટલ ઈન્ડિયા'ની સુરક્ષા માટે એક અનિવાર્ય ડગલું ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આટલા મોટા પાયે કેમેરા બદલવાની પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને તે દિલ્હીની સુરક્ષામાં કેટલો મોટો બદલાવ લાવે છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
