News of Wednesday, 1st April 2026
ખાલિસ્તાની આતંકી સુખજિંદર સિંહ બબ્બરે ભાજપ કાર્યાલય પર હુમલાની જવાબદારી સ્વીકારી
સેક્ટર 37 સ્થિત પંજાબ ભાજપના હેડક્વાર્ટર બહાર થયેલા ભીષણ વિસ્ફોટથી સરહદી રાજ્યમાં હાઈ-એલર્ટ: આતંકવાદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખૂની બદલો લેવાની અને ખાલિસ્તાન બનાવવાની આપી ખુલ્લી ધમકી

ચંદીગઢ: ચંદીગઢના સેક્ટર 37માં આવેલી ભારતીય જનતા પાર્ટીની ઓફિસ બહાર બુધવારે સાંજે થયેલા ગ્રેનેડ વિસ્ફોટે સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે. ખાલિસ્તાની આતંકવાદી સુખજિંદર સિંહ બબ્બરે સોશિયલ મીડિયા પર આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે આ માત્ર શરૂઆત છે. આતંકીએ પોતાની પોસ્ટમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતા પંજાબની ધરતી પર ખાલસા શાસન સ્થાપવાની અને શીખ યુવાનોના કથિત દમનનો બદલો લેવાની ગર્જના કરી છે, જેનાથી સમગ્ર પંજાબ અને હરિયાણામાં દહેશતનો માહોલ સર્જાયો છે.
સાંજે અંદાજે 5 વાગ્યે થયેલા આ ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસ ઉભેલા વાહનો અને બિલ્ડિંગની દીવાલોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભાજપ કાર્યાલય બહાર પાર્ક કરેલા એક સ્કૂટરના ફુરચા ઉડી ગયા હતા. ભાજપના નેતા વિનીત જોશીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે આ સીધો લોકશાહી અને શાંતિ પર હુમલો છે. ધડાકા બાદ તુરંત જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
એસએસપી કંવરદીપ કૌર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક લેબોરેટરીની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. આતંકવાદી સુખજિંદર સિંહે ગુરદાસપુરના રણજીત સિંહના કેસનો ઉલ્લેખ કરીને બદલો લેવાની વાત કરતા સુરક્ષા એજન્સીઓ હવે આ સ્લીપર સેલ અને લોકલ નેટવર્કની તપાસમાં લાગી છે. પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાની ગતિવિધિઓ તેજ થતા કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને ચંદીગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
