તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
PM મોદીના નિવાસસ્થાને હાઈ-વોલ્ટેજ CCS બેઠક: પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભારતનું ‘સુરક્ષા કવચ’ તૈયાર
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની જ્વાળાઓ વચ્ચે ભારત એલર્ટ અમિત શાહ અને રાજનાથ સિંહ સહિતના દિગ્ગજો સાથે પીએમની કટોકટી બેઠક: સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા ગેસ, પેટ્રોલ અને ખાતરના પુરવઠાને અવિરત રાખવા માટે ઘડાઈ માસ્ટર રણનીતિ

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી ભયાનક સ્થિતિની ભારત પર થનારી સંભવિત અસરોને ડામવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળી લીધો છે. પીએમ નિવાસસ્થાને યોજાયેલી સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS)ની આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના ટોચના મંત્રીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વૈશ્વિક સંઘર્ષ વચ્ચે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવાનો છે. પીએમ મોદીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ થાય, પણ ભારતના સામાન્ય નાગરિકના રસોડા સુધી પહોંચતા ગેસ કે ખેડૂતના ખેતર સુધી પહોંચતા ખાતરના પુરવઠામાં સહેજ પણ આંચ આવવી જોઈએ નહીં.
આ મહત્વપૂર્ણ બેઠકમાં ખાસ કરીને ક્રૂડ ઓઈલ, PNG અને LPGના અવિરત પુરવઠા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાય નહીં તે માટે સરકારે વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતો પર વિચારણા શરૂ કરી છે. પીએમ મોદીએ મંત્રીઓ અને સચિવોના એક ખાસ જૂથની રચના કરવાનો આદેશ આપ્યો છે, જે પશ્ચિમ એશિયાની પળેપળની ગતિવિધિઓ પર નજર રાખશે અને તેની નિકાસકારો, MSME સેક્ટર અને ઉર્જા ક્ષેત્ર પર પડનારી અસરોને રોકવા માટે ત્વરિત પગલાં લેશે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની તમામ શાખાઓએ એકજૂથ થઈને કામ કરવું પડશે જેથી વૈશ્વિક કટોકટીનો માર ભારતીય અર્થતંત્ર પર ન પડે.
ખેતી ક્ષેત્રે પણ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. આગામી ખરીફ સીઝન માટે ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે વૈકલ્પિક સ્ત્રોતો તૈયાર રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં શિપિંગ, ખાદ્ય સુરક્ષા અને નાણાકીય સ્થિરતા જેવા પાસાઓ પર પણ ગહન ચર્ચા થઈ હતી. ભારત આ સંઘર્ષને માત્ર ભૌગોલિક તણાવ તરીકે નહીં, પણ એક ગતિશીલ આર્થિક પડકાર તરીકે જોઈ રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયો દર્શાવે છે કે ભારત કોઈપણ આંતરરાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા માટે મધ્યમ અને લાંબા ગાળાના આયોજન સાથે સજ્જ છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
