News of Wednesday, 1st April 2026
ભારતીય નૌકાદળનો સનસનીખેજ ખુલાસો: 'ઓપરેશન સિંદૂર' વખતે પાકિસ્તાન પર દરિયાઈ હુમલા માટે આંગળી માત્ર ટ્રિગર પર જ હતી
એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મુંબઈમાં ખુલ્લું પાડ્યું રણગાજનું રહસ્ય: ભારતીય યુદ્ધજહાજોએ પાકિસ્તાની સીમાને ઘેરી લીધી હતી અને અંતિમ આદેશની જ રાહ જોવાતી હતી, ત્યારે જ ઈસ્લામાબાદે આજીજી કરી લશ્કરી કાર્યવાહી અટકાવવાની કરી હતી વિનંતી

મુંબઈ: ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મુંબઈમાં આયોજિત એક ગૌરવશાળી સન્માન સમારોહ દરમિયાન ઈતિહાસના સૌથી મોટા લશ્કરી રહસ્યોમાંના એક પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે અત્યંત ગંભીરતાપૂર્વક ખુલાસો કર્યો કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય નૌકાદળ પાકિસ્તાન પર સમુદ્ર માર્ગે પ્રચંડ હુમલો કરવાથી માત્ર થોડી મિનિટો જ દૂર હતું. ભારતના ફ્રન્ટલાઈન યુદ્ધજહાજો અને ઘાતક સબમરીનોએ સ્ટ્રાઈક પોઝિશન ધારણ કરી લીધી હતી અને પાકિસ્તાની બંદરો પર ત્રાટકવા માટે આંગળી માત્ર ટ્રિગર પર જ હતી. જોકે, એનિમિ લાઈનની પેલે પારથી જ્યારે લશ્કરી કાર્યવાહી રોકવા માટેની આજીજીભરી અપીલ આવી, ત્યારે અંતિમ ક્ષણે હુમલો અટકાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ઘટસ્ફોટે સાબિત કર્યું છે કે ભારતે પાકિસ્તાનને તેની જ જમીન પર ધૂળ ચટાડવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.
નૌકાદળના વડાએ આ અવસરે ગયા વર્ષે પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ શરૂ કરાયેલા ઓપરેશનમાં અપ્રતિમ શૌર્ય દાખવનારા અધિકારીઓને સન્માનિત કર્યા હતા. વાઇસ એડમિરલ એ. એન. પ્રમોદ અને વાઇસ એડમિરલ રાહુલ ગોખલેને તેમની વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે સબમરીન અને યુદ્ધજહાજોનું નેતૃત્વ કરનારા કેપ્ટન સૂરજ રેબેરા અને કેપ્ટન વિકાસ ગર્ગ સહિતના વીરોને નૌકાદળ ચંદ્રક (વીરતા) એનાયત કરાયા હતા. એડમિરલ ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું કે ભારતીય નૌકાદળની તાકાત આજે એવી છે કે દુશ્મન હુમલા પહેલા જ હથિયાર હેઠા મૂકવા મજબૂર થઈ જાય છે. આ ઓપરેશન પાકિસ્તાન માટે એક એવો ડર હતો જેણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે વિનંતી કરવા માટે લાચાર કરી દીધા હતા.
માત્ર પાકિસ્તાન જ નહીં, એડમિરલે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધની વૈશ્વિક અસરો પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 20થી વધુ વેપારી જહાજો પર હુમલા થયા છે અને લગભગ 1,900 જહાજો આ સંઘર્ષના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં દૈનિક ટ્રાફિક 130 જહાજોથી ઘટીને માત્ર 6-7 જહાજો સુધી સીમિત થઈ ગયો છે. આ આંકડાઓ ચીંધી રહ્યા છે કે વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધના વાદળો કેટલા ઘેરા છે. ભારત પોતાની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે હિંદ મહાસાગરમાં સંપૂર્ણ સજ્જતા સાથે તૈનાત છે અને કોઈપણ પડકારનો જવાબ આપવા સક્ષમ છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
