News of Wednesday, 1st April 2026
ભારતની ઊર્જા સુરક્ષાને ફૂલગુલાબી તેજી : શિપિંગ ક્ષેત્રના વિસ્તરણ માટે ૨૪,૦૦૦ કરોડના મેગા પ્લાનને મંજૂરી : વિદેશી નિર્ભરતા ઘટાડવા ૫૯ નવા જહાજો ખરીદવામાં આવશે
સ્વદેશી શિપબિલ્ડિંગ અને આત્મનિર્ભર ભારતને વેગ આપવા ૯૦૦૦ કરોડના ખર્ચે ૮ વિશાળ એલપીજી કેરિયર્સ વસાવાશે : કોચીન શિપયાર્ડ, એલ એન્ડ ટી અને સ્વાન ડિફેન્સ જેવી ભારતીય કંપનીઓ વૈશ્વિક દિગ્ગજો સાથે ભાગીદારી કરશે

નવી દિલ્હી:ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને શિપિંગ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે ૨૪,૦૦૦ કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી શિપિંગ વિસ્તરણ પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે. આ વ્યૂહાત્મક યોજના હેઠળ કુલ ૫૯ જહાજોનો કાફલો તૈયાર કરવામાં આવશે, જે ઘરેલું શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
એલપીજી પરિવહન માટે ૮ મેગા ગેસ કેરિયર્સ:
આ યોજનાનો સૌથી મહત્વનો હિસ્સો ૯,૦૦૦ કરોડ રૂપિયાનો ઓર્ડર છે, જે અંતર્ગત ૮ વેરી લાર્જ ગેસ કેરિયર્સ (VLGCs) વિકસાવવામાં આવશે. આ જહાજોનો ઉપયોગ એલપીજીના પરિવહન માટે કરવામાં આવશે. ઇતિહાસમાં પ્રથમ વખત, આ ૮ માંથી ૬ ગેસ કેરિયર્સ વિદેશી ટેકનોલોજીની ભાગીદારી સાથે ભારતની ધરતી પર જ બનાવવામાં આવશે, જ્યારે બાકીના ૨ જહાજો વિદેશમાં તૈયાર થશે. આ માટે કોચીન શિપયાર્ડ, એલ એન્ડ ટી (L&T) અને સ્વાન ડિફેન્સ જેવી પ્રતિષ્ઠિત ભારતીય કંપનીઓએ એચડી કોરિયા, હન્વા ઓશન અને સેમસંગ હેવી ઇન્ડસ્ટ્રીઝ જેવી વૈશ્વિક ટેકનોલોજી જાયન્ટ્સ સાથે જોડાણ કર્યું છે.
૧૫,૦૦૦ કરોડના ખર્ચે કાફલાનું આધુનિકીકરણ:
યોજનાના બાકીના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા કાફલાના વિસ્તરણ અને આધુનિકીકરણ પાછળ ખર્ચવામાં આવશે. જેમાં ક્રૂડ ઓઈલ ટેન્કર્સ, પ્રોડક્ટ ટેન્કર્સ, બલ્ક કેરિયર્સ, કોસ્ટલ વેસલ્સ (દરિયાકાંઠાના જહાજો) અને ઓફશોર શિપ્સનો સમાવેશ થાય છે. આ પગલાથી ભારતની નૌકા શક્તિ અને માલવાહક ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
વિદેશી હૂંડિયામણની બચત અને વ્યુહાત્મક નિયંત્રણ:
વર્તમાન સમયમાં ભારત ઊર્જાની આયાત માટે વિદેશી જહાજો પર નિર્ભર છે, જેના કારણે ઇંધણ ઉપરાંત જહાજોના ભાડા પેટે મોટી રકમ ચૂકવવી પડે છે. આ પ્લાનના અમલીકરણથી નૂર ખર્ચ (ફ્રેઈટ કોસ્ટ) માં મોટો ઘટાડો થશે અને દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચશે. આ ઉપરાંત, ભારત પોતાની મહત્વપૂર્ણ સપ્લાય ચેઈન પર સીધું નિયંત્રણ મેળવી શકશે. આ પહેલ 'ભારત કન્ટેનર લાઇન' જેવી યોજનાઓની પૂરક બનશે, જેનો હેતુ વૈશ્વિક શિપિંગ દિગ્ગજો પરનું વળગણ ઓછું કરવાનો છે.
આત્મનિર્ભર ભારત તરફ મક્કમ ડગલાં:
આ યોજના ૨૦૨૫માં મંજૂર કરાયેલી ૬૯,૭૨૫ કરોડ રૂપિયાની વિશાળ દરિયાઈ વ્યૂહરચનાનો એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિપબિલ્ડિંગ, લોજિસ્ટિક્સ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ નિર્ણય ઊર્જા અને દરિયાઈ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા તરફનું એક ઐતિહાસિક કદમ માનવામાં આવી રહ્યું છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
