<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

કચ્છના અખાતના અને માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર સામાન્ય નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ

સરહદ અને દરિયાઈ સીમા ધરાવતા કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો

ભારતની સરહદ અને દરિયાઈ સીમા ધરાવતા કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના અખાતમાં આવેલા અને માનવ વસાહત રહિત એવા 21 ટાપુઓ પર સામાન્ય નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

કચ્છની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી આ ટાપુઓનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા આશ્રયસ્થાન અથવા ઘૂસણખોરી માટે ન થાય તે હેતુથી આ કડક પગલું ભરાયું છે. કલેક્ટરના જાહેરનામા મુજબ, આ ટાપુઓ પર કોઈપણ વ્યક્તિએ પરવાનગી વગર જવું ગુનો ગણાશે. પ્રતિબંધિત ટાપુઓમાં મુખ્યત્વે શેખરણપીર, સાવલાપીર, ચભડીયો ટાપુ, બોયાબેટ, લુણ ટાપુ અને ગોપીબેટ સહિતના 21 બેટનો સમાવેશ થાય છે.

આ 21 ટાપુઓ નિર્જન હોવાને કારણે ત્યાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થવાની સંભાવના રહેલી છે. બીએસએફ (BSF), કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલન સાથે આ ટાપુઓ પર સતત નજર રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ ટાપુઓ પર બિનઅધિકૃત રીતે પ્રવેશતા ઝડપાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

(10:49 PM IST)