<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

પ્રથમ વખત મહિલા અને આફ્રિકન-અમેરિકન અવકાશયાત્રી ચંદ્રની સફરે :નાસાના ચંદ્ર મિશન આર્ટેમિસ--II ની થશે ઉડાન

10 દિવસ સુધી ચંદ્રની પરિક્રમા કરી પરત ફરશે ઓરિઅન યાન: 23 લાખ કિમીની મુસાફરી કરી પેસિફિક મહાસાગરમાં લેન્ડિંગનો પ્લાન

કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા: અમેરિકી સ્પેસ એજન્સી નાસા તેના અત્યંત મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન આર્ટેમિસ-IIનું લોન્ચિંગ કરશે વર્ષ 1972માં એપોલો 17 મિશન બાદ, એટલે કે પૂરા 53 વર્ષ પછી માનવજાત ફરી એકવાર ચંદ્રની આટલી નજીક પહોંચશે. આ ઐતિહાસિક ઉડાન બુધવાર, 1 એપ્રિલ 2026ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સાંજે 6:24 વાગ્યે (ભારતીય સમય મુજબ 2 એપ્રિલ, સવારે 3:54 વાગ્યે) નિર્ધારિત કરવામાં આવી છે.

 

આર્ટેમિસ-II એ 10 દિવસનું ‘ફ્લાયબાય’ મિશન છે. તેનો અર્થ એ છે કે અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં, પરંતુ તેની આસપાસ પરિક્રમા કરીને પૃથ્વી પર પરત ફરશે. આ મિશન માટે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્પેસ લોન્ચ સિસ્ટમ અને ઓરિઅન અવકાશયાનનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓરિઅનના લાઈફ સપોર્ટ અને નેવિગેશન સિસ્ટમની ચકાસણી કરવાનો છે, જેનો ઉપયોગ ભવિષ્યના આર્ટેમિસ-III અને મંગળ મિશનમાં થવાનો છે.

 

આ મિશન અનેક રીતે ખાસ છે કારણ કે તેમાં પ્રથમ વખત કોઈ મહિલા અને આફ્રિકન-અમેરિકન અવકાશયાત્રીનો સમાવેશ થયો છે.

રીડ વાઈઝમેન (Reid Wiseman): 50 વર્ષીય કમાન્ડર, જેમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો બહોળો અનુભવ છે.

વિક્ટર ગ્લોવર (Victor Glover): મિશન પાઇલટ અને ચંદ્રની ઉડાન ભરનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન.

ક્રિસ્ટીના કોચ (Christina Koch): મિશન નિષ્ણાત અને ચંદ્ર મિશન પર જનારી વિશ્વની પ્રથમ મહિલા.

જેરેમી હેન્સન (Jeremy Hansen): કેનેડિયન અવકાશયાત્રી જે પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરશે.

અવકાશયાત્રીઓ પૃથ્વીથી અંદાજે 2,30,000 માઇલ દૂર ઊંડા અવકાશમાં મુસાફરી કરશે. ઓરિઅન અવકાશયાન ચંદ્રના પાછળના ભાગ સુધી જશે. મિશનના છેલ્લા બે દિવસ સૌથી વધુ જોખમી હશે. જ્યારે અવકાશયાન 40,233 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે, ત્યારે તે અતિશય ગરમીનો સામનો કરીને પેસિફિક મહાસાગર માં લેન્ડ થશે.

(11:45 PM IST)