News of Thursday, 2nd April 2026
હવે દુનિયાના અનેક મોટા દેશમાં વિઝા તથા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર લાગુ: ખર્ચ વધશે - તપાસ કડક બનશે
અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન (EU)માં નવા વિઝા ફોર્મ, ફીમાં વધારો, બાયોમેટ્રીક બોર્ડર સિસ્ટમ તથા પર્મનન્ટ રેસિડેન્સીને લગતી કડક તપાસ સાથે અરજી, પેમેન્ટ અને એન્ટ્રી સંબંધિત પ્રક્રિયાને લઈ ફેરફારો થશે

નવી દિલ્હી :નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે વિદેશમાં અભ્યાસ કરવો, નોકરી, યાત્રાનું આયોજન દરેક મોરચે ભારતીયો માટે પડકારજનક બની ગયો છે. આ મહિનાથી જ અનેક મોટા એવા ફેરફારો દેશમાં વિઝા તથા ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર લાગુ થઈ રહ્યા છે, જેથી ખર્ચ વધશે અને તપાસ પણ વધારે કડક થશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુરોપિયન યુનિયન (EU)માં નવા વિઝા ફોર્મ, ફીમાં વધારો, બાયોમેટ્રીક બોર્ડર સિસ્ટમ તથા પર્મનન્ટ રેસિડેન્સીને લગતી કડક તપાસ સાથે અરજી, પેમેન્ટ અને એન્ટ્રી સંબંધિત પ્રક્રિયાને લઈ ફેરફારો થશે.
અમેરિકા
1લી એપ્રિલથી US Citizenship and Immigration Services એ H-1B વિઝા માટે Form I-129નું અપડેટેડ વર્ઝન ફરજિયાત કર્યું છે. નવા ફોર્મમાં નોકરીદાતાઓએ વેતનનું લેવલ, નોકરીની ભૂમિકા, લઘુતમ શિક્ષણ, અભ્યાસનું કાર્યક્ષેત્ર તથા અનુભવો અંગે વિગતવાર માહિતી આપવાની રહેશે. વેતનનું લેવલ-1થી લેવલ-4 સુધી રહેશે તથા પસંદગી પ્રક્રિયામાં તેની ભૂમિકા વધશે. આ ફેરફાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની કડક નીતિ પ્રમાણે છે, જેમાં મહત્તમ પગાર અને ઉચ્ચ કૌશલ ધરાવતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ગ્રીન કાર્ડ અરજી પણ કડક ચકાસણીને આધીન રહેશે. તેમાં પૃષ્ઠભૂમિની તપાસ, દસ્તાવેજ ચકાસણી, નોકરીદાતાની વિશ્વસનીયતા, વધારાના પુરાવા અને નાણાકીય રેકોર્ડ અને સંબંધોની ચકાસણીનો સમાવેશ થશે. અરજી ફી યથાવત રહેશે, પરંતુ કડક ચકાસણી કાયમી નિવાસનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી શકે છે.
યુકે
- યુકેમાં 8 એપ્રિલથી નવી વિઝા ફી અમલમાં આવશે.
- ટૂંકા ગાળાના વિઝિટર વિઝા 127 પાઉન્ડથી વધીને 135 પાઉન્ડ થશે.
- વિદ્યાર્થી વિઝા 524 પાઉન્ડ થી વધીને 558 પાઉન્ડ થશે.
- ઇનોવેટર ફાઉન્ડર વિઝા 1590 પાઉન્ડ થી વધીને 1693 પાઉન્ડ થશે.
- સ્કીલ્ડ વર્કર વિઝા 719 પાઉન્ડ થી વધીને 769 પાઉન્ડ થશે.
કેનેડા
કેનેડામાં 1લી એપ્રિલથી આર્થિક ઈમિગ્રેશન પ્રોગ્રામ અંતર્ગત મળતી સરકારી સહાયતા હવે મહત્તમ 6 વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવી છે. 30 એપ્રિલથી PR Aplication Fee વધશે.
ન્યૂઝીલેન્ડ
20 એપ્રિલથી ન્યૂઝીલેન્ડમાં ઓપન વર્ક વિઝાને લગતા નિયમો બદલાશે. હવે વિઝામાં અથવા તો સંપૂર્ણપણે Open Workની મંજૂરી રહેશે અથવા તો કોન્ટ્રેક્ટ આધારિત નોકરીની શરત રહેશે.
યુરોપ
યુરોપીયન યુનિયન (EU) 10 એપ્રિલથી એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ લાગુ કરશે. આ સિસ્ટમમાં પાસપોર્ટ સ્ટેમ્પનું સ્થાન ડિજિટલ પ્રક્રિયા લેશે. તેમાં ફેસ ફોટો, ફિંગરપ્રિન્ટ અને યાત્રા સંબંધિત માહિતીનો સમાવેશ થશે.
સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાએ મુદત લંબાવી છે. જેમના વિઝા 25 ફેબ્રુઆરી 2026 પહેલા પૂરાં થઈ ગયા છે તેઓ 18 એપ્રિલ, 2026 સુધી દંડ વગર દેશ છોડી શકશે અથવા તેમનો દરજ્જો નિયમિત કરી શકશે. એબશર પ્લેટફોર્મ દ્વારા અરજીઓ કરી શકાય છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે મુસાફરીમાં મુશ્કેલીઓના પ્રતિભાવમાં આ પહેલ શરૂ કરવામાં આવી હતી.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
