<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

બહેરીનમાં અમેરિકન કંપની Amazon પર હુમલો: ઈરાને અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવી

ઈરાને 18 જેટલી અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ બહેરીન સ્થિત એમેઝોનના ડેટા સેન્ટર પાસે ભયાનક હુમલો કર્યો

નવી દિલ્હી :મધ્ય પૂર્વમાં છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા યુદ્ધ હવે ડેટા સેન્ટર સુધી પહોંચી ગયું છે. ઈરાને અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ બહેરીન સ્થિત એમેઝોનના ડેટા સેન્ટર પાસે ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ મુજબ, ડેટા સેન્ટર પર સીધો હુમલો થોય નથી, પરંતુ તેની આસપાસ ડ્રોન ઝિંકવામાં આવતા સેન્ટરના ઓપરેશન્સને અસર થઈ છે. બહેરીન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈરાની હુમલાની માહિતી પણ અપાઈ છે, પરંતુ તેમાં એમેઝોનનો ઉલ્લેખ કરાયો નથી.

ઈરાને કહ્યું છે કે, તેઓ Meta, Google, Apple અને Microsoft જેવી મોટી કંપનીઓના ડેટા બેઝ પર હુમલો કરશે. બહેરીનમાં કુલ 18 અમેરિકન ટેક કંપનીઓ ઈરાનના ટાર્ગેટ પર હોવાની વિગતો સામે આવી છે. યુઝર્સ એમેઝોન મુદ્દે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર સતત પોસ્ટ કરી રહ્યા છે. જો એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો થશે તો માત્ર એમેઝોન જ નહીં, પંરતુ વિશ્વની અનેક વેબ સર્વિસ ઠપ થઈ શકે છે.

કોઈપણ ડેટા સેન્ટર માત્ર તે કંપની માટે હોતું નથી. ડેટા સેન્ટરમાં વિશ્વના લાખો-કરોડો યુઝર્સનો ડેટા હોય છે. તેમાં જુદી જુદી કંપનીઓના ડેટા પણ હોય છે. એવી વિગતો સામે આવી છે કે, વિશ્વની સૌથી મોટી ક્લાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ભારત સહિત મોટાભાગના દેશો આ સર્વિસનો ઉપયોગ કરે છે. એટલે કે જો એમેઝોન ડેટા સેન્ટર પર હુમલો થાય તો અન્ય દેશોમાં પણ સર્વિસને મોટી અસર થઈ શકે છે. રાહતની વાત એ છે કે, આવી સંભાવના પણ ઓછી છે, કારણ કે દરેક વિસ્તારનું ડેટા સેન્ટર અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવે છે

(1:22 AM IST)