<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

મોંઘવારીએ જાણે માઝા મૂકી : ગેસ.ઈંધણના ભાવમાં વધારો બાદ ચૂલા, કોલસા અને પ્રાયમસ જેવા સાધનો પણ મોંઘા !

. ભાવમાં થયેલા આ બે થી ત્રણ ગણા વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી

નવી દિલ્હી :મોંઘવારીએ જાણે માઝા મૂકી હોય તેમ સામાન્ય જનતા માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. એક તરફ કોમર્શિયલ ગેસના વધતા ભાવે નાના ધંધાર્થીઓની મુશ્કેલી વધારી હતી, ત્યાં હવે ગેસના વિકલ્પ તરીકે વપરાતા ઈંધણના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. ચૂલા, કોલસા અને પ્રાયમસ જેવા સાધારણ ગણાતા સાધનો હવે સામાન્ય માણસની પહોંચથી બહાર થઈ રહ્યા છે. ભાવમાં થયેલા આ બે થી ત્રણ ગણા વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. 

સામાન્ય રીતે જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ વધે ત્યારે લોકો ચૂલા કે પ્રાયમસ જેવા વૈકલ્પિક સાધનોનો આશરો લેતા હોય છે, પરંતુ હવે આ વિકલ્પો પણ અત્યંત મોંઘા સાબિત થઈ રહ્યા છે. જે રાંધણ ચૂલો અગાઉ ₹2,200 ની આસપાસ મળતો હતો, તેનો ભાવ હવે સીધો ₹6,000 ને પાર કરી ગયો છે. તેવી જ રીતે, ₹700 માં મળતો પ્રાયમસ હવે ₹2,000 થી વધુ કિંમતે વેચાઈ રહ્યો છે. આટલું જ નહીં, રસોઈ બનાવવા માટે ખૂબ જ જરૂરી કોલસાના એક મણના ભાવ પણ ₹400 થી વધીને સીધા ₹800 ને પાર પહોંચી ગયા છે.

 

ઈંધણ સાથે સંકળાયેલા સાધનોના ભાવમાં પણ આગ લાગે તેવી સ્થિતિ છે. અગાઉ ₹1,500 થી ₹2,000 માં મળતા બ્લોઅરના ભાવ હવે ₹6,000 સુધી પહોંચી ગયા છે. આમ, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે વપરાતી લગભગ તમામ વસ્તુઓના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. આ આકસ્મિક ભાવવધારાને કારણે નાના ધંધાર્થીઓ અને સામાન્ય પરિવારોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

 

આ ભાવવધારાનો સૌથી મોટો માર લારી-ગલ્લા અને નાના ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પડ્યો છે. જે નાના ધંધાર્થીઓ ગેસના ઊંચા ભાવથી બચવા માટે કોલસા કે ચૂલાનો ઉપયોગ કરતા હતા, તેઓ હવે ચારે બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણના ભાવમાં થયેલા આ આકસ્મિક અને તોતિંગ વધારાને કારણે તેમના વ્યવસાયનો ખર્ચ અનેકગણો વધી ગયો છે, જેનાથી તેમના ગુજરાન પર પણ સીધી અસર પડી છે.

 

ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના ભાવ વધતા હવે સ્થિરતા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો કે જેઓ કૌટુંબિક રસોઈ માટે આ સાધનો પર નિર્ભર હતા, તેમની બજેટ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને હવે ઈંધણના વધતા ભાવને પગલે સામાન્ય માણસની બચત પર પણ કાપ મૂકવો પડે તેવી સ્થિતિ છે. જો ભાવ પર કાબૂ નહીં આવે, તો સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થવાની પૂરી સંભાવના છે.

(1:42 PM IST)