News of Thursday, 2nd April 2026
શેરબજારમાં જોરદાર 'વોલ્ટેલિટી': સેન્સેક્સ ૧,૫૮૮ પોઈન્ટ ખાબક્યા પછી આઈટી શેરોની મદદથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠું થયું!
રોકાણકારોના શ્વાસ અધ્ધર થયા બાદ બજારે માર્યો યુ-ટર્ન; નીચા મથાળે આઈટી દિગ્ગજોમાં ધૂમ ખરીદી નીકળતા નિફ્ટીમાં પણ ૪૯૬ પોઈન્ટનો સુધારો.

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલા સુનામી જેવા ઘટાડા બાદ આઈટી શેરોની તેજીએ બજારને પાતાળમાંથી બહાર કાઢ્યું હતું. વૈશ્વિક બજારોની નબળાઈને પગલે એક સમયે સેન્સેક્સ ૧,૫૮૮ પોઈન્ટ સુધી તૂટી ગયો હતો, પરંતુ દિવસના મધ્ય સુધીમાં બજારે તમામ નુકસાનની ભરપાઈ કરી લીધી હતી.
શરૂઆતના ટ્રેડિંગમાં મોટો કડાકો
સવારના સત્રમાં ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧,૫૮૮.૫૧ પોઈન્ટ ગગડીને ૭૧,૫૪૫.૮૧ ના ઈન્ટ્રાડે નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે, એનએસઈ નિફ્ટી પણ ૪૯૬.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨,૧૮૨.૫૫ ના સ્તરે આવી ગયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના વધતા ભાવને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે બજારમાં શરૂઆતમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી.
IT શેરો બન્યા 'તારણહાર'
જ્યારે બજાર નીચલા સ્તરે પહોંચ્યું ત્યારે રોકાણકારોએ બ્લુ-ચિપ આઈટી શેરોમાં સસ્તી ખરીદી કરવાની તક ઝડપી લીધી હતી. એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઈન્ફોસિસ જેવા માંધાતા શેરોમાં ૩% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આ રિકવરીને કારણે સેન્સેક્સ ૧૨૧.૨ પોઈન્ટ વધીને ૭૩,૨૫૫.૫૨ પર ટ્રેડ થવા લાગ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૭.૨૫ પોઈન્ટ સુધરીને ૨૨,૭૦૬.૬૫ પર પાછો ફર્યો હતો.
વૈશ્વિક બજારો અને અન્ય પરિબળો
એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૪.૪૭% અને જાપાનના નિક્કીમાં ૨.૪૦% નો ઘટાડો નોંધાયો હતો, જેની અસર ભારતીય બજાર પર પણ પડી હતી. આ ઉપરાંત, બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭.૧૮% વધીને ૧૦૮.૪૨ ડોલર પ્રતિ બેરલ થતાં મોંઘવારીની ચિંતા વધી હતી. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹૭,૧૭૧.૮૦ કરોડની ખરીદી કરીને વિદેશી રોકાણકારોની વેચવાલી સામે બજારને ટેકો પૂરો પાડ્યો હતો.
મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક અને આઈટીસી જેવા શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો, જ્યારે એશિયન પેઈન્ટ્સ અને સન ફાર્મા જેવા શેરો દબાણ હેઠળ રહ્યા હતા. બજારની આ અફરાતફરીમાં રોકાણકારોએ 'બાય ઓન ડીપ્સ' (ઘટાડે ખરીદી) ની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
