<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પાકિસ્તાન સુપર લીગમાં પત્રકારની કરતૂતથી હોબાળો: ખાલી સ્ટેડિયમમાં બેસી લાઈવ મેચમાં બિન્દાસ સિગારેટ ફૂંકતા ઝડપાયા, સોશિયલ મીડિયા પર ફેન્સનો પિત્તો ગયો!

"યે ક્યા ચાલુ હૈ?": સામાન્ય જનતા માટે એન્ટ્રી પર પ્રતિબંધ અને વીઆઈપી પત્રકારો માટે જલસા? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પર નેટીઝન્સના આકરા પ્રહાર.

કરાચી: પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 અત્યારે ક્રિકેટના રોમાંચ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ગંભીર ઇંધણ સંકટને કારણે સામાન્ય ક્રિકેટ પ્રેમીઓને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેના કારણે મેદાનો ખાલીખમ જોવા મળી રહ્યા છે. જોકે, આ ખાલી સ્ટેડિયમની વચ્ચે સ્પોર્ટ્સ પત્રકાર એજાઝ બખરી લાઈવ મેચ દરમિયાન સ્ટેન્ડમાં આરામથી ધૂમ્રપાન કરતા કેમેરામાં કેદ થતા નવો વિવાદ છેડાયો છે.
ખાલી સ્ટેન્ડ અને વીઆઈપી સંસ્કૃતિ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં જોઈ શકાય છે કે જ્યાં હજારો ફેન્સ પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહન આપવા માટે સ્ટેડિયમની બહાર ધક્કા ખાઈ રહ્યા છે, ત્યાં પત્રકાર એજાઝ બખરી કોઈ પણ જાતના ડર વગર સિગારેટના ધુમાડા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યોએ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં આક્રોશ જન્માવ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો સુરક્ષા અને સંસાધનોના અભાવે જનતા પર પ્રતિબંધ હોય, તો પત્રકારોને આવી છૂટછાટ અને 'વીઆઈપી ટ્રીટમેન્ટ' શા માટે આપવામાં આવે છે?
મોહસીન નકવી પર માછલાં ધોવાયા
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર "યે ક્યા ચાલુ હૈ?" (આ શું ચાલી રહ્યું છે?) ટ્રેન્ડ થવા લાગ્યું છે. નેટીઝન્સે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા મોહસીન નકવીને ટેગ કરીને આકરા સવાલો પૂછ્યા છે. ટીકાકારોનો આરોપ છે કે બોર્ડમાં પારદર્શિતાનો અભાવ છે અને માત્ર પસંદગીના લોકોને જ વિશેષાધિકાર આપવામાં આવી રહ્યા છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.
વહીવટી તંત્રની ચુપકીદી
હજુ સુધી આ મામલે પીએસએલ આયોજકો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, પત્રકારની આ હરકતે દેશમાં ક્રિકેટ પ્રશાસનની શિસ્ત પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ ક્રિકેટના મેદાનમાં આવી બેદરકારીભરી પ્રવૃત્તિઓ દેશની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન પહોંચાડી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે શું પીસીબી આ 'બિન્દાસ' પત્રકાર સામે કોઈ પગલાં લે છે કે પછી આ વિવાદ પણ ધુમાડાની જેમ હવામાં ઉડી જશે.

(6:41 PM IST)