News of Thursday, 2nd April 2026
આસામના જંગલ પર રાજકીય જંગ: કાઝીરંગા અને અતિક્રમણ મુદ્દે અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કાલિયાબોરની રેલીમાં ગૃહમંત્રીએ કોંગ્રેસ પર ગેંડાના શિકારીઓને છાવરવાનો લગાવ્યો આરોપ : તો સામા પક્ષે રાહુલે મુખ્યમંત્રી હિમંતાને દેશના 'સૌથી ભ્રષ્ટ' નેતા ગણાવી જમીન હડપવાના કર્યા આક્ષેપ

કાલિયાબોર : આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગરમાવો આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાલિયાબોરની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અગાઉની સરકારે વિશ્વ વિખ્યાત કાઝીરંગા નેશનલ પાર્કની જમીન ઘૂસણખોરોને સોંપી દીધી હતી, જેનાથી એક શિંગડાવાળા ગેંડા જોખમમાં મુકાયા હતા. શાહે દાવો કર્યો કે NDA સરકારે જ આ અતિક્રમણ દૂર કરી કાઝીરંગાને ફરી પર્યટન નકશા પર ગૌરવ અપાવ્યું છે. તેમણે મનમોહન સિંહ અને રાહુલ ગાંધીને આડેહાથ લેતા પૂછ્યું કે ૧૫ વર્ષના શાસનમાં આસામના વિકાસ માટે શું કામ થયું?
બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને ભારતના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા છે. રાહુલે આરોપ લગાવ્યો કે પીએમ મોદી, અમિત શાહ અને હિમંતા બિસ્વા શર્મા મળીને રાજ્યમાં 'લેન્ડ ATM' ચલાવી રહ્યા છે, જેમાં ગરીબોની જમીન છીનવીને મોટા ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે. તેમણે સ્થાનિક ગાયક ઝુબિન ગર્ગના કેસમાં ન્યાય અપાવવાનું વચન આપતા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.
આસામની ૧૨૬ બેઠકો માટે ૯ એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે ઘૂસણખોરી અને જમીન હડપવાના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ભાજપ ઘૂસણખોરોની વિરુદ્ધ છે, પરંતુ સ્વદેશી મુસ્લિમોની સામે નથી. હવે ૪ મેના રોજ આવનારા પરિણામો જ નક્કી કરશે કે જનતા કોંગ્રેસના 'ભ્રષ્ટાચાર' ના આરોપો પર વિશ્વાસ કરે છે કે ભાજપના 'વિકાસ અને સુરક્ષા' ના દાવા પર.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
