<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

બિહાર: સરકારી અધિકારીના કાળા નાણાંનો ખેલ: 9 વર્ષના માસૂમ પુત્રના નામે ખોલી આખી ITI કોલેજ! DRDA ડિરેક્ટરની કરોડોની અપ્રમાણસર સંપત્તિનો પર્દાફાશ

પત્ની અને પિતાના નામે પણ વસાવ્યા 10 કરોડના 16 પ્લોટ; આર્થિક ગુના નિવારણ શાખાની કાર્યવાહીમાં ભ્રષ્ટાચારના 'વૈભવ'નો ભાંડો ફૂટ્યો.

સહરસા : બિહારના સહરસામાં DRDA ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા વૈભવ કુમાર અત્યારે કાયદાના સકંજામાં ફસાયા છે. આર્થિક ગુના એકમ (EOU) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ અધિકારીએ પોતાની ગેરકાયદેસર કમાણીનો ઉપયોગ કરીને મુઝફ્ફરપુરમાં એક આખી આઈટીઆઈ (ITI) કોલેજ ઊભી કરી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, 'ઐશ્વર્યા મેક્સ ગ્લો ITI' નામની આ સંસ્થા તેમણે પોતાના માત્ર નવ વર્ષના પુત્રના નામે ખોલી હતી.
પરિવારના નામે મિલકતોનો ખડકલો
વૈભવ કુમારે ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી રકમ છુપાવવા માટે પોતાના પરિવારના સભ્યોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે પોતાની પત્ની, પિતા અને પુત્રના નામે અલગ-અલગ જગ્યાએ કુલ ૧૬ પ્લોટ ખરીદ્યા હતા, જેની બજાર કિંમત આશરે ૧૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. સરકારી પદનો દુરુપયોગ કરીને વસાવેલી આ મિલકતોએ હવે તપાસ એજન્સીઓના કાન ઉભા કર્યા છે.
સરકારી નોકરીથી ભ્રષ્ટાચારના માર્ગ સુધી
મુઝફ્ફરપુરના મણિયારી વિસ્તારના વતની વૈભવ કુમાર ૨૦૧૩માં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની પરીક્ષા પાસ કરીને ગ્રામીણ વિકાસ અધિકારી બન્યા હતા. ૧૦ વર્ષથી વધુની કારકિર્દીમાં તેમણે લોકસેવા કરવાને બદલે પોતાની તિજોરી ભરવાનું કામ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અત્યારે તેઓ સહરસામાં ઉચ્ચ પદ પર હોવા છતાં, તેમના મુઝફ્ફરપુર સ્થિત નિવાસસ્થાને પણ તપાસના ધમધમાટ તેજ કરવામાં આવ્યા છે.
કાયદાકીય સકંજો કસાયો
આર્થિક ગુના એકમની આ કાર્યવાહીથી સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે. ભ્રષ્ટાચારના નાણાંથી બાળકોના નામે રોકાણ કરીને તેને 'સફેદ' કરવાના આ કીમિયાએ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. હવે એ જોવાનું રહેશે કે આ તપાસના તાર બીજા કેટલા અધિકારીઓ સુધી પહોંચે છે.

(7:59 PM IST)