<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પશ્ચિમ એશિયાનું યુદ્ધ અને ઓસ્ટ્રેલિયામાં દવાની કટોકટી: હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધીથી મેડિકલ સપ્લાય ચેઈન ખોરવાઈ - જીવનરક્ષક દવાઓના ભાવ વધવાની આશંકા!

૯૦ ટકા દવાઓ માટે આયાત પર નિર્ભર ઓસ્ટ્રેલિયાની ઉંઘ ઉડી; એન્ટિબાયોટિક્સ અને કેન્સરની દવાઓની અછત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ - ભારત અને ચીનથી આવતો કાચો માલ અટવાયો.

મેલબોર્ન: પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓની અસર હવે હજારો માઇલ દૂર આવેલા ઓસ્ટ્રેલિયાના મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલોમાં વર્તાવા લાગી છે. એક નવા વિશ્લેષણ મુજબ, ઓસ્ટ્રેલિયાની દવા પુરવઠા શૃંખલા અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક લોજિસ્ટિક્સ ખોરવાઈ ગયું છે, જેનાથી ઓસ્ટ્રેલિયામાં જીવનરક્ષક દવાઓની ભારે અછત સર્જાવાનું જોખમ ઉભું થયું છે.

આયાત પર નિર્ભરતા અને કરોળિયાના જાળા જેવી સપ્લાય ચેઈન

ઓસ્ટ્રેલિયા તેની જરૂરિયાતની ૯૦ ટકા દવાઓ વિદેશથી મંગાવે છે. દવા બનાવવા માટેનો કાચો માલ મુખ્યત્વે ભારત, ચીન, અમેરિકા અને યુરોપથી આવે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે શિપિંગ રૂટ બદલવા પડ્યા છે અને હવાઈ માર્ગો પર પ્રતિબંધો લાગ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધીને કારણે પરિવહન ખર્ચમાં તો તોતિંગ વધારો થયો જ છે, સાથે જ દવાઓના વિતરણમાં પણ અઠવાડિયાઓનો વિલંબ થઈ રહ્યો છે.

૪૦૦ દવાઓની અછત અને ગંભીર શ્રેણીની તંગી

વર્ષ ૨૦૨૫માં ઓસ્ટ્રેલિયાના નિયમનકાર TGA એ આશરે ૪૦૦ દવાઓની અછત નોંધી હતી, જેમાંથી ૩૦ દવાઓ એવી હતી જેનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. હાલમાં એન્ટિબાયોટિક્સ, એનેસ્થેસિયા, હોર્મોનલ રિપ્લેસમેન્ટ, કેન્સરની સારવાર અને વાઈ (Epilepsy) ની દવાઓનો સ્ટોક મર્યાદિત છે. જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ વકરશે, તો ઓસ્ટ્રેલિયાના ફાર્માસ્યુટિકલ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાશે અને સામાન્ય માણસ માટે દવાઓ મોંઘી બની જશે.

સરકારની 'બફર સ્ટોક' યોજના અને પડકારો

કટોકટીને પહોંચી વળવા માટે ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૩માં એક યોજના અમલમાં મૂકી હતી, જેમાં દવા ઉત્પાદકોને ૫ થી ૬ મહિનાનો એડવાન્સ સ્ટોક રાખવા આદેશ અપાયો હતો. આ વ્યૂહાત્મક સંગ્રહ અત્યારે દેશ માટે રક્ષક બની રહ્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયા પોતાની દવાઓ કેમ નથી બનાવતું? તેનું કારણ PBS (ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ) ના કડક નિયમો છે. અહીં દવા ઉત્પાદકોએ સાબિત કરવું પડે છે કે તેમની દવા ખર્ચ-અસરકારક છે, જેના કારણે મોટી કંપનીઓ માટે સ્થાનિક ઉત્પાદન આર્થિક રીતે નફાકારક રહેતું નથી.

વૈશ્વિક ફાર્મા માર્કેટમાં માત્ર ૨ ટકા હિસ્સો ધરાવતું ઓસ્ટ્રેલિયા અત્યારે મધ્ય પૂર્વની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે, કારણ કે ત્યાં લાગેલી આગ સીધી રીતે ઓસ્ટ્રેલિયનોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે.

 

(9:05 PM IST)