News of Thursday, 2nd April 2026
ડેંગ્યુ સામે સંજીવની: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે વિશ્વસનીય રસી 'ક્યુડેંગા'
જાપાની ટેકડા ફાર્મા અને હૈદરાબાદની બાયોલોજિકલ-ઈના સહયોગથી તૈયાર થયેલી રસીના અંતિમ ટ્રાયલ પૂર્ણ : WHOની મંજૂરી બાદ હવે ભારતમાં CDSCOના લીલા ઝંડાની રાહ : વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા

નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે હજારો લોકોનો ભોગ લેતા ડેંગ્યુ સામે હવે રક્ષણાત્મક કવચ મળવા જઈ રહ્યું છે. જાપાની કંપની ટેકડા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસિત 'ક્યુડેંગા' (Qdenga) રસી ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ રસી માટે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઇ સાથે ભાગીદારી કરવામાં આવી છે. નોંધનીય છે કે આ રસીને યુરોપ, યુકે અને બ્રાઝિલ સહિત 40થી વધુ દેશોમાં અગાઉથી જ મંજૂરી મળી ચૂકી છે અને તેને WHO તરફથી પણ સલામતીની પુષ્ટિ મળી છે.
આ રસીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અગાઉ ડેંગ્યુ સંક્રમિત થયેલા અને ન થયેલા બંને પ્રકારના લોકો પર સમાન રીતે અસરકારક છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ રસીના બે ડોઝ લેવાથી ડેંગ્યુના ગંભીર કેસો અને તેનાથી થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો લાવી શકાશે. હાલમાં ભારતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જે પૂર્ણ થતા જ સામાન્ય જનતા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.
દિલ્હીના આરોગ્ય નિષ્ણાતો માને છે કે આ રસી ભારતીય આરોગ્યતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. જોકે, રસી આવ્યા પછી પણ મચ્છરોથી બચવા માટે સ્વચ્છતા જાળવવી એટલી જ અનિવાર્ય રહેશે. રસીકરણ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધશે, જેનાથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘટશે. સરકાર આ વર્ષના અંત સુધીમાં આ રસીને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
