News of Thursday, 2nd April 2026
સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ કાયદાકીય સંકટમાં: પુણેની કિંમતી જમીન પર ખેડૂતે ઠપકાર્યો છેતરપિંડીનો કેસ
વડગાંવ માવલ કોર્ટમાં પહોંચ્યો હાઈ-પ્રોફાઈલ વિવાદ: ૧૯૫૭થી પૂર્વજોની મિલકત હોવાનો દાવો કરતા ખેડૂતે બોલિવૂડ કપલ પર દસ્તાવેજો સાથે છેડછાડ અને વૃદ્ધ માતા સાથે ગેરવર્તન કરવાનો લગાવ્યો ગંભીર આરોપ

પુણે: બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને તેના પતિ ગોલ્ડી બહલ અત્યારે પુણેના માવલ વિસ્તારમાં એક એકર જમીનના વિવાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂત ચંદ્રકાંત બાબુ શિંદેએ આક્ષેપ કર્યો છે કે જે જમીન ગોલ્ડી બહલે પોતાના નામે કરાવી છે, તે હકીકતમાં તેમના પરિવારની પૂર્વજોની મિલકત છે. શિંદેનો દાવો છે કે ૧૯૫૭થી તેમના દાદાના નામે આ જમીનના હક નોંધાયેલા છે, પરંતુ વચેટિયાઓ અને સરકારી દસ્તાવેજોમાં કથિત છેડછાડ કરીને સ્ટાર કપલે આ સોદો કર્યો છે. ખેડૂતના વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે માત્ર દસ્તાવેજો તૈયાર કરી લેવાથી કોઈ સાચો માલિક બની જતું નથી.
આ વિવાદ માત્ર કાગળ પર જ નહીં પણ મેદાન પર પણ ઉગ્ર બન્યો હતો. ખેડૂત ચંદ્રકાંત શિંદેના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫માં જ્યારે સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ જમીન પર આવ્યા હતા, ત્યારે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ગોલ્ડી બહલ અને તેમના માણસોએ ખેડૂતની વૃદ્ધ માતા સાથે ઝઘડો કરીને તેમને ધક્કો માર્યો હતો. આ ઘટના બાદ પીડિત પરિવારે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બીજી તરફ, ગોલ્ડી બહલના વકીલ રાજુ શિંદેએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે ખરીદીની પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે.
હાલમાં આ હાઈ-પ્રોફાઈલ કેસ પુણેની વડગાંવ માવલ કોર્ટમાં પેન્ડિંગ છે. આ ઘટનાએ સેલિબ્રિટીઝ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવતા જમીનના સોદાઓ અને તેમાં આવતી કાનૂની ગૂંચવણો પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. એક તરફ ખેડૂત પરિવાર પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે, તો બીજી તરફ બોલિવૂડના આ દંપતીની છબી પર દાગ લાગવાની ભીતિ સેવાઈ રહી છે. કોર્ટના આગામી આદેશો જ નક્કી કરશે કે આ જમીનનો અસલી હકદાર કોણ છે અને શું ખરેખર દસ્તાવેજોમાં કોઈ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
