News of Thursday, 2nd April 2026
ભારતી એરટેલનો વૈશ્વિક દબદબો: 65 કરોડ ગ્રાહકો સાથે બની વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની
સુનિલ ભારતી મિત્તલની કંપનીએ ચીની દિગ્ગજોને પછાડી ગ્રાહક સંખ્યામાં મેળવ્યું ઐતિહાસિક સ્થાન : ભારત અને આફ્રિકાના 15થી વધુ દેશોમાં એરટેલનું નેટવર્ક મજબૂત: ડેટા વપરાશકારોમાં થયો 9.7%નો તોતિંગ વધારો

નવી દિલ્હી: ભારતી એરટેલે કોર્પોરેટ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેના વૈશ્વિક ગ્રાહકોની સંખ્યા હવે 650 મિલિયન (65 કરોડ)ના આંકડાને વટાવી ગઈ છે, જેના કારણે તે ગ્રાહકોની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની છે. એરટેલની આ સફળતા પાછળ ભારત અને આફ્રિકાના બજારોમાં તેનું મજબૂત વર્ચસ્વ જવાબદાર છે. ફક્ત ભારતમાં જ કંપની પાસે 36.8 કરોડ મોબાઈલ યુઝર્સ છે, જ્યારે આફ્રિકાના 14 દેશોમાં તેની પેટાકંપની એરટેલ આફ્રિકા 17.9 કરોડ ગ્રાહકોને સેવા આપી રહી છે. આ સિદ્ધિ ભારત માટે ગૌરવની વાત છે કારણ કે એક ભારતીય બ્રાન્ડ હવે વૈશ્વિક સ્તરે ટેલિકોમ ક્ષેત્રે નેતૃત્વ કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, ભારતની અંદર રિલાયન્સ જિયો 50 કરોડથી વધુ યુઝર્સ સાથે પ્રથમ ક્રમે છે, પરંતુ જિયોની સેવાઓ માત્ર ભારત સુધી મર્યાદિત છે. જ્યારે એરટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે પગપેસારો કરીને ચીની ટેલિકોમ કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે. એરટેલના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલે આ સિદ્ધિને એક મોટી જવાબદારી ગણાવી હતી અને કહ્યું હતું કે કંપની હવે ગ્રાહક અનુભવને સુધારવા અને ટેકનોલોજીમાં નવા ધોરણો સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીની ડિજિટલ ટીવી સેવાઓ અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ ક્ષેત્રે પણ વૃદ્ધિ જોવા મળી રહી છે, જે તેની આવકમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે.
કોટક ઇક્વિટીઝના અહેવાલ મુજબ, એરટેલનો ગ્રાહક આધાર નાણાકીય વર્ષ 21 થી 26 વચ્ચે વાર્ષિક 2.9 ટકાના દરે વધ્યો છે, પરંતુ સૌથી વધુ વૃદ્ધિ ડેટા વપરાશકારોમાં (9.7 ટકા) જોવા મળી છે. આ દર્શાવે છે કે લોકો હવે માત્ર વાત કરવા માટે નહીં પણ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે એરટેલ પર પસંદગી ઉતારી રહ્યા છે. હજુ પણ કંપનીના 20 ટકા ગ્રાહકો 2G અને 3G નેટવર્ક પર છે, જેનો અર્થ છે કે આગામી સમયમાં જ્યારે આ ગ્રાહકો 4G કે 5G પર અપગ્રેડ થશે, ત્યારે કંપનીની આવકમાં મોટો ઉછાળો આવશે. ગ્રામીણ વિસ્તારોમાં પણ મોબાઈલ બ્રોડબેન્ડના વિસ્તારની મોટી સંભાવનાઓ હજુ બાકી છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
