News of Thursday, 2nd April 2026
જો કોંગ્રેસ જીતશે તો રાજ્યમાં 'મહિલા મુખ્યમંત્રી' બનશે કેરળમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત :અનેક તર્કવિતર્ક
પક્ષમાં મહિલા નેતાઓની અછત હોવા છતાં, જે.બી. મેથર અને રમ્યા હરિદાસ જેવા નામોની ચર્ચા તેજ બની :કે.સી. વેણુગોપાલ, રમેશ ચેન્નિથલા અને વી.ડી. સતીષન જેવા દિગ્ગજોની આશાઓ પર પાણી ફરી વળ્યું

નવી દિલ્હી : કોંગ્રેસને સતા મળે તેવી સંભાવના ધરાવતા કેરલમાંથી કેરલમ બનેલા રાજ્યમાં ડાબેરી મોરચાની આગેવાનીવાળી પી. વિજયનની સરકાર સત્તારુઢ છે. પરંતુ કેરળની રાજકીય તાસિરથી પરિચિત જાણકારોને આ વખતે કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસીમાં કઠિણાઈ દેખાઈ રહી છે. ભાજપની પણ ઉજળી તકોની ચર્ચા વચ્ચે કૉંગ્રેસને સત્તામાં વાપસીની તક દેખાઈ રહી છે.
હવે કેરળ કૉંગ્રેસમાં આંતરિક રાજનીતિ પણ ચરમસીમાએ છે. તેમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જો કૉંગ્રેસ જીતે છે, તો તેઓ ઈચ્છશે કે કોઈ મહિલા મુખ્યમંત્રી બનશે. હવે કૉંગ્રેસના અધ્યક્ષ ભલે કર્ણાટકના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગે જ હોય. પણ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઈચ્છે તો કૉંગ્રેસ પાર્ટીમાં તેમને કોણ રોકનાર હોય શકે એ વિચારવાનો પ્રશ્ન છે.
રાહુલ ગાંધીના ઉપરોક્ત નિવેદનથી કૉંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ સહીતના ઘણાં નેતાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થવા લાગી છે. રાહુલ ગાંધીના મહિલા મુખ્યમંત્રીવાળા નિવેદનથી કેરળ કૉંગ્રેસના વરિષ્ઠો રમેશ ચેન્નિથલા અને વી. ડી. સતીષન સહીત સૌ કોઈ સ્તબ્ધ છે
એક રાજકીય ચર્ચા એવી પણ છે કે કે. સી. વેણુગોપાલ કૉંગ્રેસના સંગઠન મહામંત્રી જેવી મોટી જવાબદારી છોડીને કેરળના મુખ્યમંત્રી તરીકે પ્રદેશની રાજનીતિમાં પાછા ફરવા માંગતા નથી. આવા સંજોગોમાં કે. સી. વેણુગોપાલે જ ચેન્નિથલા અને સતીષનના પત્તા સાફ કરવા માટે ચાલબાજી કરી હતી અને તેમાં રાહુલ ગાંધી દ્વારા કેરળમાં કૉંગ્રેસની જીત બાદ મહિલા મુખ્યમંત્રીની ચર્ચા શરૂ થઈ છે.
પણ કેરળ કૉંગ્રેસ માટે અહીંથી તો સમસ્યાની શરૂઆત થાય છે. કેરળ કૉંગ્રેસ પાસે મહિલા નેતાઓની ઘણી અછત છે. મહિલાઓને ઓછી ટિકિટો આપવાને લઈને કૉંગ્રેસની રાજ્યમાં ટીકાઓ થઈ હી છે. કોંગ્રેસે પોતાના કોટાની 95 બેઠકો પર માત્ર આઠ કે નવ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ટીકાઓ વચ્ચે રાહુલ ગાંધીએ પણ મહિલા મુખ્યમંત્રીનો દાંવ ખેલ્યો છે. આને ભાજપની મહિલા અનામતની વાતનો રાજકીય જવાબ માનવામાં આવે છે
હવે રાહુલ ગાંધીએ કહ્યુ છે, તો કેરળમાં કૉંગ્રેસની જીત બાદ કોણ મહિલા મુખ્યમંત્રી બનશે તેની પણ ચર્ચા શરૂ થઈ છે. તેમાં એક નામ જે. બી. મેથર (J.B. Mather) નું છે. મેથર સાંસદ છે. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. પરંતુ તેમના નામની ચર્ચા છે.
આ સિવાય દલિત નેતા અને પૂર્વ સાંદ રમ્યા હરિદાસના નામની પણ ચર્ચા છે. તેઓ દલિત અને મહિલા એમ બંને પોલિટિકલ ક્રાઈટેરિયામાં આવે છે.
આ સિવાય શનિમોલ ઈસ્લામના નામની ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે જે રીતની રાષ્ટ્રીય રાજનીતિ ચાલી રહી છે, તેવામાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી કેરળમાં મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી બનાવવાનું જોખમ લેશે કે કેમ? તેને લઈને પણ અટકળો વધી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
