<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને એક દાવ ખેલ્યો : પરિવહન ફીના નવા નિયમો અને ઓમાન સાથે ગુપ્ત સમજૂતી

આ હિલચાલને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર મોટી અસર પડવાની શક્યતા

વિશ્વના સૌથી વ્યૂહાત્મક તેલ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને એક અત્યંત મહત્વનો નિર્ણય લેવાની તૈયારી બતાવી છે. ઈરાનના કાનૂની અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ પ્રધાન કાઝેમ ઘરીબબાદી  ના જણાવ્યા અનુસાર, હવે આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો પર 'પરિવહન ફી' લાદવામાં આવી શકે છે. આ હિલચાલને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર મોટી અસર પડવાની શક્યતા છે.

 

મળતી માહિતી મુજબ, ઈરાની સરકાર અને સંસદ આગામી સપ્તાહોમાં બે નવા પ્રોટોકોલ જારી કરશે. જેમાંથી એક વાણિજ્યિક જહાજો માટે અને બીજો લશ્કરી જહાજો માટે હશે. ખાસ વાત એ છે કે, ઈરાન હવે પડોશી દેશ ઓમાન સાથે મળીને આ માર્ગ પર જહાજોની અવરજવર પર ચાંપતી નજર રાખવા માટે સંયુક્ત પ્રોટોકોલ તૈયાર કરી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધને કારણે આ માર્ગ વર્ચ્યુઅલી બંધ જેવો જ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં મોટી અછત સર્જાઈ હતી, જેના પરિણામે અમેરિકામાં ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન $4 ને પાર કરી ગયા હતા, જે એક મહિનામાં 30 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ એ રાષ્ટ્રને સંબોધન કરતા સંકેત આપ્યા હતા કે ઈરાન સાથેનું આ સંઘર્ષ હજુ લાંબો સમય ચાલી શકે છે. જોકે, ઈરાન અને ઓમાન વચ્ચે નવા પ્રોટોકોલના સમાચાર વહેતા થતા જ યુએસ શેરબજારમાં ફરી તેજી જોવા મળી હતી. બજારને આશા છે કે આ નવી વ્યવસ્થાથી હોર્મુઝ સ્ટ્રેટ આંશિક રીતે ખુલશે, જેના કારણે તેલનો પુરવઠો ફરી સામાન્ય થઈ શકે છે અને કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

(11:21 PM IST)