<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જીવતો જાગતો રાક્ષસઃ બ્રિટનના ફયુનરલ ડિરેક્‍ટર બુશની કાળજું કંપાવનારી કરતૂત

ફયુનરલ હોમમાંથી ૩૫ મૃતદેહો અને ૬૭ લોકોની અસ્‍થિઓ મળી આવતા સેંકડો પરિવારો ભારે આઘાતમાં: ૩૦ મૃતદેહોનો ખડકલોઃ અમાનવીય કૃત્‍ય આચરનાર ‘નરાધમ' ડિરેક્‍ટરે ગુનો કબૂલ્‍યો : એક વૃદ્ધ પીડિતે જણાવ્‍યું કે તેઓ મહિનાઓ સુધી પોતાની પત્‍ની સમજીને જે અસ્‍થિઓ સાથે વાત કરતા હતા, તે કોઈ અજાણી વ્‍યક્‍તિની નીકળી : કેટલાક લોકોએ પોતાના સ્‍વજનની યાદમાં આ ખોટી અસ્‍થિઓને શાહીમાં ભેળવીને શરીર પર ટેટૂ બનાવડાવ્‍યા હતા, જે પાછળથી કોઈ અજાણી વ્‍યક્‍તિની અસ્‍થિઓ હોવાનું ખુલતા તેઓ સ્‍તબ્‍ધ થઈ ગયા

લંડનઃ બ્રિટનના હલ શહેરમાં લેગસી ઇન્‍ડિપેન્‍ડન્‍ટ ફયુનરલ ડિરેક્‍ટર્સના ૪૮ વર્ષીય ભૂતપૂર્વ ડિરેક્‍ટર રોબર્ટ બુશે ૩૦ મૃતદેહોના અંતિમ સંસ્‍કાર ન કરવા અને ૧૨ જેટલી ચેરિટી સંસ્‍થાઓ સાથે છેતરપિડી કરવાનો સનસનીખેજ ગુનો કબૂલી લીધો છે. પોલીસ તપાસમાં ફયુનરલ હોમમાંથી ૩૫ મૃતદેહો અને ૬૭ લોકોની અસ્‍થિઓ મળી આવતા સેંકડો પરિવારો ભારે આઘાતમાં સરી પડ્‍યા છે.

૩૦ મૃતદેહોનો સંગ્રહ અને ચેરિટી ફંડમાં ઉચાપતઃ હલ શહેરની ક્રાઉન કોર્ટમાં ૪૮ વર્ષીય રોબર્ટ બુશે પોતાના જ ફયુનરલ પાર્લરમાં ૩૦ મૃતદેહોના કાયદેસર અને સન્‍માનજનક અંતિમ સંસ્‍કાર અટકાવવાના ગંભીર આરોપો સ્‍વીકારી લીધા છે. તેણે લેગસી ઇન્‍ડિપેન્‍ડન્‍ટ ફયુનરલ ડિરેક્‍ટર્સ નામની પોતાની વ્‍યવસાયિક પેઢીમાં આ અમાનવીય કૃત્‍ય આચર્યું હતું. આ ઉપરાંત, તેણે સાલ્‍વેશન આર્મી, મેકમિલન કેન્‍સર સપોર્ટ અને ડોગ્‍સ ટ્રસ્‍ટ સહિતની ૧૨ વિવિધ સંસ્‍થાઓમાંથી છેતરપિડી કર્યાનો પણ ગુનો સ્‍વીકાર્યો છે, જેનો દોર વર્ષ ૨૦૧૭ થી ચાલતો હતો. જ્‍યારે બુશે પોતાનો ગુનો કબૂલ્‍યો ત્‍યારે કોર્ટમાં હાજર પીડિત પરિવારોએ આક્રોશ વ્‍યક્‍ત કરતા તેને એક 'રાક્ષસ' ગણાવ્‍યો હતો. પીડિતો આકરી સજાની માંગ કરી રહ્યા છે, અને આગામી જુલાઈ મહિનાના અંતમાં તેને ઔપચારિક રીતે સજા સંભળાવવામાં આવશે.

પોલીસની સઘન તપાસ અને ધરપકડનો ઘટનાક્રમઃ માર્ચ ૨૦૨૪ માં હમ્‍બરસાઇડ પોલીસને મૃતકોની જાળવણી અંગે એક ગુપ્ત માહિતી મળ્‍યા બાદ હેસલ રોડ પર આવેલા બુશના ત્રણ પરિસરો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્‍યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫ મૃતદેહો અને ૬૭ જેટલા લોકોની અસ્‍થિઓ મળી આવી હતી, જોકે સમયમર્યાદાના કાયદાકીય પાસાઓને કારણે હાલમાં ૩૦ મૃતદેહો અંગે ચાર્જ દાખલ કરવામાં આવ્‍યો છે. તપાસ શરૂ થયાના એક જ મહિનાની અંદર પોલીસને પીડિત પરિવારોના ૨૦૦૦ થી વધુ ફોન કોલ્‍સ આવ્‍યા હતા. આખરે, ૧૦ માર્ચ ૨૦૨૪ ના રોજ હીથ્રો એરપોર્ટ પરથી અમેરિકન એરલાઇન્‍સની ફલાઇટમાંથી બુશની નાટ્‍યાત્‍મક રીતે ધરપકડ કરવામાં આવી હતી, જેનો બોડીકેમ વિડીયો પણ સામે આવ્‍યો છે.

પીડિતોની યાતનાઃ ખોટી અસ્‍થિઓ અને ટેટૂનો આઘાતઃ આ ભયાનક કૌભાંડને કારણે આશરે ૨૪૦ પરિવારોને જીવતેજીવ નરક જેવી યાતના ભોગવવાનો વારો આવ્‍યો છે. મિખાઇલા બાલ્‍ડવિન નામની મહિલાના જણાવ્‍યા અનુસાર, તેમના પિતા ડેની મિડલટનનો મૃતદેહ ૫ મહિના સુધી હોસ્‍પિટલના આઈડેન્‍ટિટી બેન્‍ડ સાથે જ ફ્રિજમાં પડ્‍યો રહ્યો હતો. રિચાર્ડ શો નામના એક વૃદ્ધ પીડિતે જણાવ્‍યું કે તેઓ મહિનાઓ સુધી પોતાની પત્‍ની સમજીને જે અસ્‍થિઓ સાથે વાત કરતા હતા, તે કોઈ અજાણી વ્‍યક્‍તિની નીકળી.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક લોકોએ પોતાના સ્‍વજનની યાદમાં આ ખોટી અસ્‍થિઓને શાહીમાં ભેળવીને શરીર પર ટેટૂ બનાવડાવ્‍યા હતા, જે પાછળથી કોઈ અજાણી વ્‍યક્‍તિની અસ્‍થિઓ હોવાનું ખુલતા તેઓ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા.

બુશે મૃત નવજાત બાળકોના પરિવારોને પણ ખોટી અસ્‍થિઓ પકડાવીને તેમની ભાવનાઓ સાથે ક્રૂર મજાક કરી છે. એક પરિવારે હતાશામાં જણાવ્‍યું કે તેમને તેમના દાદીની અસ્‍થિઓ જાણે કે જૂની કવોલિટી સ્‍ટ્રીટની બરણી હોય તેવા ડબ્‍બામાં પરત કરવામાં આવી હતી.

આ ઘટનાએ સમગ્ર બ્રિટનમાં ફયુનરલ ઉદ્યોગના કાયદાઓ કડક કરવાની માંગને વેગ આપ્‍યો છે.

(10:08 AM IST)