<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ઈન્‍ડિયાથી અમેરિકા જવાનું ભાડું રૂ.૩ લાખ સુધી પહોંચ્‍યું

ઈરાન વોરને કારણે ભાડાંમાં ત્રણ ગણા જેટલો વધારો થતાં અમેરિકા જવા માગતા લોકોના બજેટ ખોરવાયા

નવી દિલ્‍હી,તા.૦૩: જો આ વર્ષે સમર વેકેશનમાં તમારો અમેરિકા જવાનો પ્‍લાન હોય અને હજુ સુધી ટિકિટ બુક ના કરાવી હોય તો હવે તમારે બજેટમાં વધારો કરવો પડશે, કારણકે ઈન્‍ડિયાથી અમેરિકા જવાનું ભાડું આસમાને પહોંચી ગયું છે. ઈરાન વોરને લીધે જેટ ફયુઅલના ભાવમાં જંગી વધારો થવાની સાથે ફલાઈટ્‍સના શિડ્‍યૂલ પણ અસ્‍ત-વ્‍યસ્‍ત થઈ ગયા હોવાથી એર ફેર દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવી સ્‍થિતિ છે.

હજુ જાન્‍યુઆરીમાં જ ૯૮ હજાર રૂપિયામાં રિટર્ન ટિકિટ બુક કરાવનારા એક ગુજરાતીએ જણાવ્‍યું હતું કે તેમને એપ્રિલમાં ફરી એક કોન્‍ફરન્‍સ અટેન્‍ડ કરવા માટે અમેરિકા જવાનું છે પરંતુ છેલ્‍લે તેમણે ચેક કર્યું ત્‍યારે ભાડું ૧.૯૪ લાખ રુપિયા સુધી પહોંચી ગયું હતું. તેના માત્ર ત્રણ દિવસ પછી તેમના એક પરિચિતે ટિકિટ બુક કરાવતા ૨.૭૦ લાખ રૂપિયા ભાડું ચૂકવ્‍યું હતું.

ઈરાન વોરને એક મહિનો પૂરો થઈ ચૂક્‍યો છે પરંતુ હજુય સંઘર્ષ ચાલુ જ છે અને ખરૂં કહીએ તો તે વધારેને વધારે આક્રમક બની રહ્યો છે. તેના કારણે ફયુઅલ કોસ્‍ટ વધવાની સાથે ફલાઈટ્‍સ આડેધડ કેનસ્‍લ થતી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ઈન્‍ડિયાથી અમેરિકા જનારા મોટાભાગના લોકો કોઈ ગલ્‍ફ દેશમાંથી જતી હોય તેવી જ ફલાઈટ પકડતા હોય છે. જોકે, વોરની અસર આ દેશો પર જ સૌથી વધારે અનુભવાઈ રહી છે.

તાજેતરમાં જ અમેરિકાથી આવેલા એક NRIએ આ અંગે વાત કરતા જણાવ્‍યું હતું કે તેમની ફલાઈટ બે વાર કેન્‍સલ થઈ હતી, તેવી જ રીતે હાલ અમેરિકામાં રહેતા એક ગુજરાતીના પેરેન્‍ટ્‍સ અમેરિકા જવાના હતા પરંતુ ત્રણેક વાર ફલાઈટ્‍સ કેન્‍સલ થયા બાદ તેઓ માર્ચના એન્‍ડમાં યુએસ પહોંચી શક્‍યા હતા. હાલ ટિકિટના દર ખૂબ જ વધી ગયા હોવાથી જો ફલાઈટ કેન્‍સલ થાય તો લોકો રિફન્‍ડ લેવાને બદલે ફલાઈટ રિશિડ્‍યૂલ કરાવી દે છે, પરંતુ જેમણે ટિકિટ બુક કરાવી જ નથી તેમને હવે વધુ પૈસા ચૂકવવા પડે તેવી સ્‍થિતિ છે.

ટ્રાવેલ ઈન્‍ડસ્‍ટ્રી સાથે સંકળાયેલા લોકોનું માનીએ તો ઈન્‍ડિયાથી ટેક-ઓફ થતી ઈન્‍ટરનેશનલ ફલાઈટ્‍સના ભાડામાંમાં છેલ્‍લા એકાદ મહિનામાં જ ૬૦ ટકા જેટલો વધારો થયો છે. અમેરિકાની જેમ જ અગાઉ ૫૫થી ૬૦ હજાર રૂપિયામાં મળી જતી લંડનની ટિકિટ પણ હવે એકાદ લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.

તેવી જ રીતે યુએસનું રિટર્ન ફેર હાલ બેથી ત્રણ લાખ રૂપિયા બોલાઈ રહ્યું છે જે અગાઉ માંડ ૯૦ હજાર રૂપિયા જેટલું હતું. ગુજરાતીઓ દર વર્ષે અમેરિકા અને યુકે ઉપરાંત મોટી સંખ્‍યામાં કેનેડા પણ જતા હોય છે. હાલના દિવસોમાં કેનેડાનું ભાડું પણ ૮૦ હજાર રૂપિયાથી વધીને ૧.૪ લાખ સુધી પહોંચી ગયું છે. એક્‍સપર્ટ્‍સનું માનીએ તો ગલ્‍ફમાંથી પસાર ના થતી હોય તેવી એરલાઈન્‍સના ભાડામાં સૌથી મોટો વધારો થયો છે જ્‍યારે ગલ્‍ફની એરલાઈન્‍સ હજુય પ્રમાણમાં નીચા ભાડાં ઓફર કરી રહી છે.(૪૦.૧૦)

 

(1:59 PM IST)