<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

૨૧ વર્ષની દિવ્‍યાંગ તમન્ના ભગવાન શ્રીકૃષ્‍ણની દુલ્‍હન બનીઃ વરરાજા માટે ચાંદીની મૂર્તિ બનાવી

રાજસ્‍થાનના જયપુર જિલ્‍લાના જોબનેરમાં આસ્‍થા, ભક્‍તિ અને ભાવનાઓ સાથે જોડાયેલી એક અનોખી પ્રેમ કહાની સામે આવી

જયપુર તા.૩: રાજસ્‍થાનના જયપુર જિલ્‍લાના જોબનેરમાં આસ્‍થા, ભક્‍તિ અને ભાવનાઓ સાથે જોડાયેલી એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. અહીં ૨૧ વર્ષીય દિવ્‍યાંગ યુવતી તમન્ના કંવર ભગવાન શ્રીકૃષ્‍ણની પ્રતિમા સાથે લગ્ન કર્યા છે. આ અનોખા આયોજને આખા વિસ્‍તારનું ધ્‍યાન પોતાના તરફ ખેંચ્‍યું છે અને ગામના લોકો તમન્નાને આધુનિક યુગની બીજી મીરાબાઈ ગણાવી રહ્યા છે.

આ અનોખા લગ્ન ચૈત્ર પૂર્ણિમાના પાવન અવસર પર એટલે આજે યોજાયા. પરિવારે આ આયોજનને ભવ્‍યતા અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે સંપન્ન કરવાની તૈયારી પૂરી કરી લીધી છે. વિવાહ માટે લગભગ ૪૦૦ નિમંત્રણ કાર્ડ છપાવ્‍યા છે. જ્‍યારે ડિજિટલ માધ્‍યમથી પણ લોકોને આમંત્રિત કર્યા છે. આ આયોજનમાં લગભગ ૨૦૦૦ લોકો સામેલ થવાનું અનુમાન છે.

પરિવારના જણાવ્‍યા અનુસાર, વિવાહની તમામ રસમો એક સામાન્‍ય લગ્નની માફક નિભાવવામાં આવશે. પીઠી, મહેંદી, મહિલા સંગીત, જાન, ફેરા અને વિદાય સુધીની દરેક રસમ પૂરી શ્રદ્ધા અને વિધિ-વિધાન સાથે યોજાશે. ૨ એપ્રિલના રોજ આ લગ્ન સાંજના ૪.૧૫ કલાકે કેશવરાયજી મંદિરમાંથી જાન નીકળી, જે ધૂમધામથી લગ્ન સ્‍થળ સુધી પહોંચી. જ્‍યાં પાણિગ્રહણ સંસ્‍કાર થયા અને હવે ૩ એપ્રિલના રોજ વિદાયની રસમ નિભાવવામાં આવશે.

તમન્નાના પિતા મંગલ સિંહે જણાવ્‍યું કે, વરરાજાના રૂપમાં ભગવાન શ્રીકૃષ્‍ણની વિશેષ પ્રતિમા તૈયાર કરાવી છે. આ પ્રતિમા ચાંદીમાંથી બનાવી છે. જેના પર સોનાનો લેપ ચઢાવ્‍યો છે. વળી વિવાહ માટે સિદૂર અને અન્‍ય સુહાગ સામગ્રી વૃંદાવન અને ભાંડીર વનમાંથી મગાવી છે. ધાર્મિક માન્‍યતા અનુસાર, ભાંડીર વન આ પવિત્ર સ્‍થાન માનવામાં આવે છે. જ્‍યાં બ્રહ્માજીએ રાધા-કૃષ્‍ણના લગ્ન કરાવ્‍યા હતા.

તમન્નાની માતાએ જણાવ્‍યું કે, દીકરીની દેખરેખમાં તેમણે જીવનના કેટલાય વર્ષ સમર્પિત કરી દીધા. અન્‍ય બાળકોના લગ્ન જોઈને તેમના મનમાં પણ તમન્નાના લગ્ન કરવાનો વિચાર આવ્‍યો. પરિસ્‍થિતિ જોતા પરિવારે ભગવાન શ્રીકૃષ્‍ણ સાથે દીકરીના લગ્ન કરવાનો નિર્ણય લીધો. જેનો સૌએ સ્‍વીકાર કર્યો.

(10:28 AM IST)