News of Friday, 3rd April 2026
ખ્યાતનામ લેખક આશુ પટેલના લોકપ્રિય પુસ્તક ‘સુખનો પાસવર્ડ’ની ૧૫મી આવૃત્તિનું ભવ્ય લોકાર્પણ : નેશનલ સ્ટોક એક્સચેન્જના MD આશિષકુમાર ચૌહાણના હસ્તે વિમોચન
૧૪ સફળ આવૃત્તિઓ બાદ પંદરમી આવૃત્તિની પ્રસ્તુતિ પુસ્તકની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી : નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત જીવનલક્ષી લેખોનો સંગ્રહ વાચકોને જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપશે

રાજકોટ: ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા લેખક આશુ પટેલ લિખિત અને વાચકોમાં અત્યંત લોકપ્રિય બનેલા પુસ્તક ‘સુખનો પાસવર્ડ’ની ૧૫મી આવૃત્તિનું તાજેતરમાં ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના હસ્તે આ પુસ્તકનું વિમોચન સંપન્ન થયું હતું. આ પ્રસંગે આશિષકુમાર ચૌહાણે લેખકને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ૧૪ આવૃત્તિઓ બાદ આ પંદરમી આવૃત્તિનું પ્રકાશન જ આ પુસ્તકની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનો સૌથી મોટો પુરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તક ખરા અર્થમાં વાચકોને જીવનમાં સુખ મેળવવાનો સાચો પાસવર્ડ પૂરો પાડશે.
જીવનલક્ષી લેખોનો અનોખો સંગ્રહ:
પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ (મુંબઈ) દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં માનવ જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓ અને સકારાત્મક અભિગમ ધરાવતા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘સુખનો પાસવર્ડ’ સીરીઝ અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ ડઝન જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જે આશુ પટેલની કલમની તાકાત દર્શાવે છે. અત્યાર સુધીમાં તેમના વિવિધ વિષયો પરના કુલ ૬૫ જેટલાં પુસ્તકો વાચકો સમક્ષ આવી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આશુ પટેલની ઓળખ:
માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આશુ પટેલના લેખન અને સંશોધનનો ડંકો વાગ્યો છે. દુનિયાના સૌથી મોટા પોડકાસ્ટ પ્લેટફોર્મ સ્પોટિફાય (Spotify) દ્વારા તેમના જીવન અને સંશોધન પર આધારિત ‘ગેંગિસ્તાન’ પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરના પોડકાસ્ટમાં બોલિવૂડના જાણીતા કલાકારોએ અવાજ આપ્યો હતો. જેમાં પ્રખ્યાત અભિનેતા પ્રતીક ગાંધીએ આશુ પટેલની ભૂમિકા ભજવી હતી, જ્યારે સૈયામી ખેર અને દયાશંકર પાંડેએ પણ મહત્વના પાત્રો ભજવ્યા હતા. ‘ગેંગિસ્તાન’ને મળેલો જબરદસ્ત પ્રતિસાદ અને હવે ‘સુખનો પાસવર્ડ’ની ૧૫મી આવૃત્તિનું લોકાર્પણ એ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવપૂર્ણ બાબત છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
