<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

વિમાની મુસાફરોને મોટો ઝટકો : ફ્લાઈટમાં 60 ટકા સીટો મફત ઓફર કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારે રોક લગાવી

અમલીકરણના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આદેશ મોકૂફ રાખ્યો : એરલાઈન્સ દ્વારા વસૂલાતા મસમોટા સીટ સિલેક્શન ચાર્જમાંથી રાહત મેળવવાની આશા રાખતા મુસાફરોની રાહ લંબાઈ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એરલાઇન્સ કંપનીઓ માટે બહાર પાડેલા એક મહત્વપૂર્ણ નિર્દેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. અગાઉ સરકાર દ્વારા એરલાઇન્સને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે ફ્લાઇટની ઓછામાં ઓછી ૬૦ ટકા સીટો મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વગર પસંદ કરવા માટે આપવી પડશે. જોકે, આ નિયમ લાગુ થવાના થોડા દિવસો પહેલા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિર્ણયને 'સ્થગિત' (Abeyance) રાખવાનો નિર્ણય લીધો છે.

૧૮ માર્ચનો નિર્ણય અભરાઈએ ચડ્યો:
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૧૮ માર્ચના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને સૂચના આપી હતી કે મુસાફરોને વાજબી સુવિધા મળી રહે તે માટે એરલાઇન્સ કંપનીઓએ કોઈપણ ફ્લાઇટમાં ૬૦ ટકા બેઠકો કોઈપણ વધારાના શુલ્ક વગર ફાળવવી પડશે. આ નવો નિયમ ૨૦ એપ્રિલથી અમલમાં આવવાનો હતો. પરંતુ મંત્રાલયે હવે ડીજીસીએને લેખિત જાણ કરી છે કે આ મુદ્દાની વ્યાપક તપાસ બાકી હોવાથી, આગામી આદેશ સુધી આ જોગવાઈને મોકૂફ રાખવામાં આવે છે.

વધતી ફરિયાદો વચ્ચે લેવાયો હતો નિર્ણય:
હાલના નિયમો મુજબ, એરલાઇન્સ કંપનીઓ માત્ર ૨૦ ટકા સીટો જ મફત બુકિંગ માટે આપે છે, જ્યારે બાકીની ૮૦ ટકા બેઠકો માટે મુસાફરોએ અલગથી ચાર્જ ચૂકવવો પડે છે. પ્રાઈવેટ એરલાઇન્સ કંપનીઓ ફ્રન્ટ રો, એક્સ્ટ્રા લેગ રૂમ અને વિન્ડો સીટ જેવી પસંદગી માટે મુસાફરો પાસેથી ૨૦૦ રૂપિયાથી લઈને ૨,૧૦૦ રૂપિયા સુધીનો તોતિંગ ચાર્જ વસૂલતી હોય છે. સીટ સિલેક્શનના નામે લેવાતા આ ઉંચા ચાર્જ અંગે મુસાફરોમાં વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે ૬૦ ટકા સીટો મફત આપવાનો નિર્ણય લીધો હતો.

મુસાફરોની સુવિધામાં વિલંબ:
સરકારના આ તાજેતરના નિર્ણયથી વિમાની મુસાફરોમાં નિરાશા જોવા મળી રહી છે. મુસાફરોને આશા હતી કે ૨૦ એપ્રિલથી તેમણે મનપસંદ સીટ માટે વધારાના નાણાં ખર્ચવા નહીં પડે. જોકે, મંત્રાલયે હવે આ સમગ્ર મામલે વિસ્તૃત સમીક્ષા કરવાનું નક્કી કર્યું હોવાથી, ફ્લાઇટમાં સસ્તી મુસાફરી માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે. હાલ પૂરતી જૂની વ્યવસ્થા જ ચાલુ રહેશે જેમાં મર્યાદિત સંખ્યામાં જ ફ્રી સીટો ઉપલબ્ધ હશે.

(1:14 PM IST)