<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

વીજળીના કડાકા સાથે રાજ્‍યના ૪ જિલ્‍લામાં વરસાદઃ ખેતીનું નખ્‍ખોદ : ભર ઉનાળે અષાઢી માહોલ

આજે ગુજરાતના વાતાવરણમાં ભર ઉનાળે મોટો પલટો જોવા મળ્‍યોઃ દેવભૂમિ દ્વારકા - ગીર સોમનાથ - કચ્‍છ અને બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં વીજળીના કડાકા - ભડાકા સાથે કમોસમી વરસાદ : વેરાવળમાં પવન સાથે વરસાદ તૂટી પડ્‍યો, કેસર કેરીના પાકને ભારે નુકસાનઃ ક્‍ચ્‍છના અબડાસા વિસ્‍તારમાં કમોસમી વરસાદઃ દ્વારકામાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ

અમદાવાદ તા.૩: હવામાન વિભાગની આગાહી વચ્‍ચે આજે ગુજરાત ના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્‍યો છે. દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથ, કચ્‍છ અને બનાસકાંઠાના વાવ-થરાદ  પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્‍યો છે. ભર ઉનાળે સર્જાયેલા આ ચોમાસા જેવા માહોલ અને માવઠાને કારણે ખેતીના પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.

દ્વારકા શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે વહેલી સવારથી જ આકાશ વાદળછાયું હતું અને ત્‍યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ઇસ્‍કોન ગેટ  અને ભદ્રકાળી ચોકજેવા મુખ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડતા રસ્‍તાઓ ભીના થયા હતા. યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ પણ બદલાયેલા હવામાનનો અનુભવ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્‍લાના સરહદી વિસ્‍તારો એવા વાવ, થરાદ અને લાખણી તાલુકામાં મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું. લાખણીના આગથળા , કોટડા અને કુડા  તેમજ દિયોદર  તાલુકાના નવાપુરા અને સોની સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ પડ્‍યો છે. આ વિસ્‍તારમાં જીરું અને રાયડા જેવા પાકો તૈયાર હોવાથી ખેડૂતોમાં નુકસાનનો ડર વ્‍યાપ્‍યો છે.

વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અચાનક પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્‍યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો નજારો જોવા મળ્‍યો હતો. ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના પાકને આ પવન અને વરસાદથી મોટું નુકસાન થવાની શક્‍યતા છે, જેને લઈને બાગાયતદારોની ચિંતા વધી છે.

કચ્‍છ જિલ્‍લામાં પણ હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ખાસ કરીને અબડાસા અને પヘમિ કચ્‍છના વિસ્‍તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. રણપ્રદેશમાં અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

સમગ્ર રાજ્‍યમાં જ્‍યાં એકતરફ ગરમીનો પારો વધી રહ્યો હતો, ત્‍યાં અચાનક આવેલા આ કમોસમી વરસાદે ખેતીના ગણિત બગાડ્‍યા છે. રવી પાકની કાપણી ચાલી રહી હોય ત્‍યારે માવઠાને લીધે પાક પલળી જવાથી ગુણવત્તા અને ઉત્‍પાદન બંને પર માઠી અસર થવાની ભીતિ છે.(૩૮.૩૯)

(3:09 PM IST)